– મંદિરોમાં સવારથી મોડી રાત સુધી ભાવિકોનું ઘોડાપુર
– મહાપુજન, મારૂતિયજ્ઞા, સુંદરકાંડના પાઠ, ધ્વજારોહણ, બટુકભોજન, મહાપ્રસાદ, ભજન કિર્તન સહિતના કાર્યક્રમો યોજાયા
ભાવનગર : ગોહિલવાડમાં ચૈત્ર સુદ પુનમના પાવનકારી મહાપર્વે મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રીરામચંદ્રજીના અનન્ય સેવક પવનપુત્ર હનુમાનજી મહારાજના જન્મજયંતિ મહોત્સવની પરંપરાગત રીતે ભકિતભાવપૂર્વક ધામધૂમથી ઉજવણી કરાઈ હતી.આ અવસરે ઠેર ઠેર મારૂતિ યજ્ઞા, સુંદરકાંડના પાઠ, ધ્વજારોહણ, બટુકભોજન, મહાપ્રસાદ, ભજન કિર્તન, રામદરબાર, અખંડ રામધૂન અને સંતવાણી સહિતના કાર્યક્રમો યોજાયા હતા.
અંજનીપુત્ર કેસરીનંદન હનુમાનજી મહારાજના પ્રાગટય મહોત્સવની શનિવારે ભાવનગર શહેર અને જિલ્લાભરમાં અનન્ય ભાવ અને ભકિતમય માહોલમાં ઉજવણી થઈ હતી.વહેલી સવારથી જ હનુમાનજીના મંદિરોમાં ભાવિકોના ઘોડાપુર ઉમટી પડતા કષ્ટને હરનારા મારૂતિનંદન ભાવ અને ભકિતના ભાવથી ભીંજાયા હતા.આ અવસરે શહેરના ગોળીબાર, રોકડીયા, રૂખડીયા, રણવીર, ઝાંઝરીયા, ફુલસરીયા,ખારીયા અને વાંકીયા સહિતના હનુમાનજી મહારાજના મંદિરોમાં વહેલી સવારથી મોડી રાત્રી સુધી શ્રધ્ધાળુઓ ઉમટી રહ્યા હતા અને ભાવિકોએ આસ્થાભેર દાદાને કાળા તલ, તેલ,આકડાની માળા, શ્રીફળ ચઢાવી, પ્રસાદ ધરી પ્રાગટય મહોત્સવના હરખભેર વધામણા કરી ધન્યતા અનુભવી હતી. દિવસ દરમિયાન ઝાંઝરીયા, ફુલસરીયા, વાંકીયા સહિતના શ્રધ્ધેય મંદિરોમાં મીની ભાતીગળ લોકમેળા જેવો અનેરો માહોલ દ્રશ્યમાન થયો હતો.