– પોલીસે વીડિયોના આધારે તપાસ હાથ ધરી
– યુવતીની છેડતી કરતા તેના ભાઈએ યુવકને મેથી પાક ચખાડયો હોવાની ચર્ચા
સુરેન્દ્રનગર : વઢવાણ બસ સ્ટેન્ડ સામે જાહેરમાં યુવકને મારમારતો વીડિયો સોશ્યલ મીડિયામાં વાયરલ થયો હતો જેને આધારે પોલીસે વધ તપાસ હાથધરી છે. વાઇરલ વીડિયો કેટલો જુનો છે અને ભોગ બનનાર તેમજ માર મારનાર શખ્સો કોણ છે તે અંગે કોઈ પુષ્ટી થવા પામી નહોતી.
વઢવાણ બસ સ્ટેન્ડ સામે જાહેરમાં યુવકને મારમારતો વિડિયો સોશ્યલ મીડીયામાં વાયરલ થયો હતો. વાયરલ વીડિયો અનુસાર ધોળી પોળ નજીક બસ સ્ટેન્ડ પાસે મોડી રાત્રે બે યુવક અને એક યુવતી વચ્ચે મારામારી તેમજ ઝપાઝપી થતી નજરે પડી રહી છે અને યુવકને મારમારતા જોઈ લોકોના ટોળા પણ સ્થળ પર ઉમટી પડયા હતા. આ અંગે થતી ચર્ચાઓ મુજબ ઈકો ગાડીમાં મુસાફરી કરી રહેલી એક યુવતી સાથે યુવકે શારિરીક અડપલા કર્યા હતા જે બાબતની દાઝ રાખી યુવતી અને તેના ભાઈએ એકસંપ થઈ અડપલા કરનાર યુવકને મેથીપાક ચખાડયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. જો કે આ અંગે સત્તાવાર કોઈ પોલીસ ફરિયાદ નોંધાવા પામી નહોતી પરંતુ પોલીસે વાયરલ વીડિયોના આધારે વધુ તપાસ હાથ ધરી છે.