Telangana Government Will Spend 200 Crores on Miss World Competition: મિસ વર્લ્ડ સ્પર્ધાની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. તેલંગાણા આ વર્ષે હૈદરાબાદમાં 72મી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરવા માટે તૈયાર છે. એવું માનવામાં આવે છે કે રાજ્ય 7 થી 31 મે દરમિયાન યોજાનારી આ ઇવેન્ટની યજમાની માટે 200 કરોડ રૂપિયા ખર્ચ કરશે. એવામાં તેલંગાણામાં મિસ વર્લ્ડ સ્પર્ધામાં થયેલા ખર્ચને લઈને વિપક્ષે રેવંત રેડ્ડીની સરકાર પર નિશાન સાધ્યું છે.
વિપક્ષે રેવંત સરકાર પર સાધ્યું નિશાન
ભારત રાષ્ટ્ર સમિતિ (BRS) એ પ્રશ્ન ઉઠાવ્યો છે કે, ‘જ્યારે સીએમ રેવન્ત રેડ્ડીએ પોતે સ્વીકાર્યું કે તેમની સરકાર દેવાના બોજ અને રોકડની તંગીનો સામનો કરી રહી છે, તો પછી બ્યુટી કોન્ટેસ્ટ પર 200 કરોડ રૂપિયા કેમ ખર્ચવામાં આવે છે?’
જ્યારે બજેટ ભાષણ દરમિયાન કહેવામાં આવ્યું હતું કે, ‘આ બ્યુટી કોન્ટેસ્ટ પર 200 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે, ત્યારે વિપક્ષી પાર્ટીના ધારાસભ્યોએ વિરોધ કર્યો હતો. તેમનું કહેવું છે કે BRS મિસ વર્લ્ડ સ્પર્ધા પર 200 કરોડ રૂપિયા ખર્ચવાને બદલે દુષ્કાળથી પ્રભાવિત ખેડૂતોને પ્રતિ એકર 25000 રૂપિયા આપે. આ બ્યુટી કોન્ટેસ્ટ પર ખર્ચ કરીને સરકાર પૈસાનો દુરુપયોગ કરી રહી છે.’
KTRએ કહ્યું- ‘શું છે આ તર્ક, સમજાવો રાહુલ ગાંધી’
તેલંગાણામાં અગાઉની સરકાર દરમિયાન હૈદરાબાદમાં આયોજિત ફોર્મ્યુલા-ઇ રેસમાં અનિયમિતતા બદલ ધારાસભ્ય કેટી રામારાવ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. હવે કેટી રામારાવે લોકસભામાં મિસ વર્લ્ડ સ્પર્ધાના ખર્ચની બાબતમાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું છે.
કેટી રામારાવે લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને X પરની પોસ્ટમાં કોંગ્રેસ સરકાર દ્વારા કરવામાં આવતા આ ખર્ચ અંગે પ્રશ્ન પૂછ્યો છે. તેમણે કહ્યું, ‘હૈદરાબાદમાં ફોર્મ્યુલા-ઇ રેસ માટે 46 કરોડ રૂપિયાનો ખર્ચ ખોટો હતો અને તેના પર કેસ નોંધવામાં આવ્યો. પરંતુ મિસ વર્લ્ડ, બ્યુટી કોન્ટેસ્ટના આયોજન માટે જનતાના 200 કરોડ રૂપિયા ખર્ચવા યોગ્ય છે! આ કયો તર્ક છે? શું રાહુલ ગાંધીજી તમે આ સમજાવી શકશો?’
આ પણ વાંચો: કોંગ્રેસે દેશભરના 700 જિલ્લા પ્રમુખોને દિલ્હી બોલાવ્યાં, પાર્ટીમાં ધરમૂળથી ફેરફારની તૈયારી!
KTRએ વધુમાં કહ્યું, ‘કોંગ્રેસ સરકાર ઇચ્છે છે કે અમે એવું માનીએ કે તેલંગાણામાં બધું બરાબર છે. જો આ સાચું છે, તો પછી મુખ્યમંત્રીએ ગઈ કાલે અચાનક શા માટે સ્વીકાર્યું કે રૂ. 71,000 કરોડની ખાધ છે? તેલંગાણાનો વિકાસ થઈ રહ્યો છે કે અટકી રહ્યો છે?’
હૈદરાબાદમાં 72મી મિસ વર્લ્ડ સ્પર્ધા યોજાઈ રહી છે
જણાવી દઈએ કે હૈદરાબાદ આ વર્ષે 72મી મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરવા માટે તૈયાર છે. આ કાર્યક્રમ 7 મે થી 31 મે સુધી ચાલશે. રાજ્ય સરકારનો હેતુ મિસ વર્લ્ડ સ્પર્ધા અંતર્ગત રાજ્યને મુખ્ય પ્રવાસન કેન્દ્ર તરીકે સ્થાપિત કરવાનો છે. મિસ વર્લ્ડ કોન્ટેસ્ટ 28 વર્ષના લાંબા અંતરાલ બાદ ભારતમાં થઈ રહ્યું છે અગાઉ 1996માં બેંગલુરુમાં મિસ વર્લ્ડ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.