– ડાકોરથી ગોધરા ધોરી માર્ગ ઉપર
– મહીસાગર નદીમાં નહાવા લોકો ઉમટયા : લાંબી લાઈનમાં વાહન ચાલકો તડકામાં શેકાયા
ઠાસરા : ખેડા જિલ્લાના ગળતેશ્વર તાલુકાના અંબાવ ગામ પાસે ડાકોરથી ગોધરા ધોરી માર્ગ ઉપર રવિવારે સવારથી જ ટ્રાફિકજામ થઈ ગયો હતો. ટ્રાફિકજામના લીધે ઉનાળાના તાપમાં વાહન ચાલકો શેકાયા હતા.
સરકારી કચેરીઓમાં ત્રણ દિવસની સળંગ રજાના લીધે મીની વેકેશન જેવો માહોલ હતો. ત્યારે અમદાવાદ, આણંદ, નડિયાદ, મહેસાણા, ગાંધીનગર, ગોધરાથી પ્રવાસીઓ રવિવારે ગળતેશ્વર મહાદેવ મંદિર પાસે મહીસાગર નદીમાં નહાવા માટે ઉમટી પડયા હતા. વાહનોના ભારે ધસારાના લીધે અંબાવ ગામ પાસે ટ્રાફિકજામ સર્જાયો હતો. સેવાલિયા પોલીસના થોડા પ્રમાણમાં કર્મચારીઓ હાજર રહેતા ટ્રાફિક કંટ્રોલ કરી શકાયો ન હતો. આણંદ- ગોધરા રેલવે લાઈન ઉપર ડબલ ટ્રેક પર વારંવાર ટ્રેન પસાર થતી હોવાથી ૧૫ મિનિટ અંબાવ રેલવે ફાટક વારંવાર બંધ રહેવાના કારણે પણ વાહનો વારંવાર અટવાય છે.
એક કિલોમીટર લાંબી લાઈનમાં ઉભા રહેવાની નોબત આવે છે. ત્યારે ગળતેશ્વર સ્મશાને ટ્રેક્ટરમાં નનામી લઈ જતા ડાઘુઓ પણ ટ્રાફિકજામમાં અટવાવવું પડે છે. રવિવારે સવારે ૧૦થી રાતે ૮ વાગ્યા સુધી સતત ટ્રાફિકથી વ્યસ્ત રહ્યો હતો.
શનિ- રવિવારે સવારથી અંબાવ રેલવે ફાટક ચોકડી પાસે ટ્રાફિકનું સંચાલન કરતા કર્મચારીઓ વધુ મૂકી ટ્રાફિકજામ થતો અટકાવવા અંબાવના ગ્રામજનોની માંગણી છે.