– ઈજાગ્રસ્ત પિતાને સારવાર માટે ખસેડાયા
– દંપતી પુત્રને લઈ કરણગઢ ધાર્મિક પ્રસંગમાં ગયા હતા : પત્ની રોકાઈ જતા પિતા- પુત્ર પરત આવતા હતા
સુરેન્દ્રનગર : વઢવાણના બાકરથળી ગામ પાસે પીકઅપ વાનના ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં વઢવાણના પુત્રનું મોત થયું હતું જ્યારે બાઈક ચાલક પિતાને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે ખસેડાયા હતા. આ અંગે જોરાવનગર પોલીસ મથકે પીકઅપ ચાલક વિરૂદ્ધ ગુનો દાખલ કરાયો છે.
વઢવાણ ૮૦ ફુટ રોડ પર રહેતા ફરિયાદી સજ્જનબેન રામજીભાઈ માધર અને તેમના પતિ રામજીભાઈ માધર તથા પુત્ર વિવેક માધર કરણગઢ ગામે ધાર્મિક પ્રસંગમાં ગયા હતા. જેમાં ફરિયાદી ત્યાં રોકાઈ ગયા હતા અને પુત્રને પરીક્ષા શરૂ હોવાથી પતિ અને પુત્ર સવારે સુરેન્દ્રનગર જવા માટે કરણગઢ ગામેથી બાઈક પર જઈ રહ્યાં હતા. તે દરમ્યાન બાકરથળી ગામ પાસે પીકઅપના ચાલકે બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ફરિયાદીના પતિ રામજીભાઈ તેમજ પુત્ર વિવેક રોડ ઉપર પટકાયા હતા. અકસ્માતમાં પુત્ર વિવેકને ગંભીર ઈજાઓ પહોંચતા મોત નીપજ્યું હતું. ત્યારે ઈજાગ્રસ્ત પિતાને સાવાર માટે ખસેડાયા હતા. જે અંગે ફરિયાદીએ જોરાવરનગર પોલીસ મથકે પીકઅપના ચાલક સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથધરી છે.