![]()
અમદાવાદ, મુંબઈ : ટ્રમ્પના ટેરિફના વધતા આક્રમણ તેમજ વૈશ્વિક સ્તરે ભૂ-રાજકીય સ્થિતિ વણસતા વિશ્વ બજારમાં સેફ હેવન રૂપી ખરીદી તરીકે હેજ ફંડો દ્વારા કિંમતી ધાતુઓમાં નવી ખરીદી ચાલુ રહેતા વૈશ્વિક બજારોની સાથે ઘર આંગણાના બજારોમાં પણ સોના-ચાંદીમાં પણ તોફાની તેજી જોવા મળી છે. આજે દિલ્હી બુલિયન બજારમાં ચાંદી વધુ રૂપિયા ૬ હજાર ઉછળીને રૂપિયા ૨,૭૧,૦૦૦ નવી વિક્રમી સપાટીએ પહોંચી ગઈ હતી. બીજી તરફ સોનું પણ વધીને રૂપિયા ૧,૪૫,૦૦૦ની ટોચની સપાટીએ પહોંચ્યું હતું. અમદાવાદ તેમજ મુંબઈ સોના-ચાંદી બજારમાં પણ તેજીનો પ્રવાહ આગળ વધ્યો હતો.
મુંબઈ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવમાં વિશ્વ બજાર પાછળ રેકોર્ડ તેજી ઝડપી ગતિએ આગળ વધતાં નવી ઉંચી ટોચ દેખાઈ હતી. સોનામાં જોકે તેજીને બ્રેક વાગતાં ભાવ ઉંચા મથાળે બેતરફી સાંકડી વધઘટ વચ્ચે ફરતા જોવા મળ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ચાંદીના ભાવ ઔંસના ૮૩.૮૬થી ૮૩.૮૭ વાળા ઉછળી ઉંચામાં ભાવ ૮૬ પાર કરી ૮૬.૦૨થી ૮૬.૦૩ ડોલર સુધી ઉછળી ૮૫.૭૮થી ૮૫.૭૯ ડોલર રહ્યાના સમાચાર હતા. વિશ્વ બજાર ઉછળતાં ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધી જતાં ચાંદી બજારમાં જોરદાર તેજી આગળ વધી હતી.
દરમિયાન, અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવન કિલોના વધુ રૂ.૭૦૦૦ ઉછળી ઉંચામાં ભાવ રૂ.૨૬૨૦૦૦ બોલાતા નવો વિક્રમ સર્જાયો હતો. અમેરિકામાં બહાર પડનારા ફુગાવાના આંકડાઓ પર નજર વચ્ચે ચાંદીમાં તેજી વાળો વર્ગ એક્ટિવ રહ્યો હતો. ચાંદીના ભાવ બે દિવસમાં રૂ.૧૪ હજાર ઉછળતાં ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા.
ચાંદીમમાં હવે ભાવ ઝડપથી રૂ.૨૭૫૦૦૦ તથા ત્યારબાદ રૂ.૩ લાખ થઈ જવાની શક્યતા બજારનો અમુક વર્ગ બતાવી રહ્યો હતો. દરમિયાન, વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંસના ૪૫૮૨થી ૪૫૮૩ વાળા ઉંચામાં ભાવ ૪૬૦૬ થઈ ૪૫૯૩થી ૪૫૯૪ ડોલર રહ્યા હતા. ઘરઆંગણે અમદાવાદ બજારમાં સોનાના ભાવ ૧૦ ગ્રામના ૯૯૫ના રૂ.૧૪૪૨૦૦ તથા ૯૯૯ના ભાવ રૂ.૧૪૪૫૦૦ના મથાળે વધતા અટકી ઉછાળો પચાવી ટોચ પર અથડાતા રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૫૬૭૭૬ વાળા ઉછળી રૂ.૨૬૩૦૩૨ રહ્યા હતા. જ્યારે જીએસટી સાથેના આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. મુંબઈ સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૩૯૭૨૨ તથા ૯૯૯ના રૂ.૧૪૦૨૮૪ રહ્યા હતા. સોનાના ભાવમાં ઉંચા મથાળે આજે બેતરફી સાંકડી વધઘટ દેખાઈ હતી. દરમિયાન, વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંસના ૨૩૫૭ વાળા આજે ઘટી ૨૨૯૧ થઈ ૨૩૫૦થી ૨૩૫૧ ડોલર રહ્યા હતા.
જ્યારે પેલેડીયમના ભાવ ૧૮૭૧ વાળા ઘટી ૧૭૮૧ થઈ ૧૮૪૨થી ૧૮૪૩ ડોલર રહ્યા હતા. મુંબઈ બુલીયન બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૭૫૬૯૦ વાળા રૂ.૭૪૯૨૦ થઈ રૂ.૭૫૩૧૭ રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે વધુ ૦.૩૮ ટકા પ્લસમાં રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં આજે ક્રૂડતેલના ભાવ આંચકા પચાવી ફરી વધી આવ્યા હતા.
બ્રેન્ટક્રૂડના ભાવ બેરલદીઠ ૬૨.૮૬ વાળા ઉછળી ૬૫.૨૦ થઈ ૬૫.૦૦ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ૫૮.૫૮ વાળા વધી ૬૦.૮૨ થઈ ૬૦.૬૪ ડોલ ર રહ્યા હતા. ભારતમાં રશિયાના ક્રૂડતેલની ઈમ્પોર્ટ ડિસેમ્બરમાં ૩.૩૦ અબજ યુરોથી ઘટી ૨.૩૦ અબજ યુરો થતાં રશિયાથી ક્રૂડની આયાત કરતા દેશમાં ભારત હવે ત્રીજા ક્રમે ધકેલાયું છે. આ ક્રમમાં પ્રથમ નંબરે ચીન તથા બીજા નંબરે તુર્કી રહ્યા છે.
સોના ચાંદીના ભાવના લક્ષ્યાંકમાં વધારો
વૈશ્વિક નાણાં સંસ્થા સીટીને અપેક્ષા છે કે ૨૦૨૬ના પ્રારંભમાં પણ સોના ચાંદીમાં તેજી અકબંધ રહેશે. વધતા ભૂરાજકીય જોખમો, ભૌતિક બજારમાં અછત અને ફેડરલની સ્વતંત્રતા પર નવી અનિશ્ચિતતાનો ઉલ્લેખ કરીને સોના માટેનો તેમનો અગામી ૩ મહિનાનો લક્ષ્યાંક ૫,૦૦૦ ડોલર પ્રતિ ઔંસ અને ચાંદી માટે ૧૦૦ ડોલર પ્રતિ ઔંસ કર્યો છે.
સોનામાં છેલ્લા મહિનામાં ૭% અને છેલ્લા ત્રણ મહિનામાં ૧૨% નો વધારો થયો છે, પરંતુ સિટીએ તેના લાંબા સમયથી ચાલતા દ્રષ્ટિકોણને પુનરાવર્તિત કર્યો છે કે ચાંદીએ બુલિયન કરતાં વધુ સારું પ્રદર્શન કરવું જોઈએ.
આ જ સમયગાળા દરમિયાન, ચાંદીમાં અનુક્રમે ૩૬% અને ૬૦% નો વધારો થયો છે, આ તેજી ઔદ્યોગિક ધાતુઓમાં પણ જોવાઈ છે, જેમાં તાંબુ, પ્લેટિનમ, પેલેડિયમ અને એલ્યુમિનિયમ પણ મજબૂત રહ્યા છે.









