Gujarat Health Workers Strike : ગુજરાતમાં આરોગ્ય કર્મીઓની હડતાળને લઈને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આંદોલન કરનારાને હડતાળ સમેટી લેવા ચીમકી આપી છે. આ ચીમકીમાં તેમણે ઘણી બધી સૂફિયાણી વાતો કરી, પરંતુ બે વાત ઘણી મહત્ત્વની છે. આરોગ્ય કર્મીઓની વિવિધ માગ મુદ્દે ઋષિકેશ પટેલનું કહેવું છે કે, ‘આરોગ્ય કર્મીઓની બધી માગ વહીવટનો વિચાર કર્યા વગર સ્વીકારી ના લેવાય, ટેક્સનો પૈસો રાજ્યની તિજોરીમાં આવતો હોય ત્યારે લોકોની સુખાકારીમાં અને લોકોની સગવડો માટે એ પૈસો વપરાવવો જોઈએ.’ તેમનો બીજો મુદ્દો એ છે કે, ‘આરોગ્યકર્મીઓની હડતાળથી નાગરિકો મુશ્કેલીમાં મુકાય છે’.
આ બંને મુદ્દા એવા છે, જે સાંભળીને એક ગુજરાતી કહેવત યાદ આવી જાય છે. તમે સમજી ગયા હશો…
તાયફા પાછળ કરોડોના ખર્ચ વિશે પણ કંઈ બોલો
ઋષિકેશ પટેલના નિવેદન પછી એવી ચર્ચા થવા લાગી છે કે પ્રજાના પરસેવાના ટેક્સના નાણા વાપરવાને લઈને સરકાર ખરેખર આટલી ચિંતિત છે ખરી? કરણી અને કથનીમાં વિરોધાભાસ જેવી આ વાત લોકોને ગળે ઉતરે તેવી નથી કારણ કે, સરકાર લાખો, કરોડોના ખર્ચ કરીને તાયફા કરે છે એ નાણા કોના હોય છે? વડાપ્રધાન ગુજરાત આવે કે કોઈ મોટા નેતા કે વીવીઆઈપી આવે ત્યારે તેમના કાર્યક્રમ પાછળ પણ સરકાર ધૂમ ખર્ચ કરે છે. રસ્તા પર મોટા હોર્ડિગ્સ, બેનરો લગાવાય છે, એકસાથે અનેક બસો દોડાવાય છે, બેરિકેડ્સ ઊભા કરાય છે, દીવાલો પર રંગરોગાન કરાય છે, તાબડતોબ સાફસફાઈ કરાય છે, રાતોરાત નવા રસ્તા બનાવાય છે અને પ્રજાના કામમાંથી પોલીસ જવાનોને છૂટા કરીને સરકારી જવાબદારી સોંપી દેવાય છે. આ બધી દિવાળી કોના પૈસે? શું એ નાણા પ્રજાના ટેક્સના નથી હોતા?
મોટા ઉપાડે જાહેર કરેલી યોજનાઓમાં કરોડોનો દુરુપયોગ
- વિદ્યાર્થીઓને સાઈકલ આપવા જેવી વિવિધ યોજનાઓ બહાર પાડવામાં આવે છે, પરંતુ અનેક જિલ્લામાં આ સાઈકલો તો ભંગાર થઈ ગઈ છે. શું તે નાણાનો વ્યય નથી?
- અનેક સરકારી આવાસો બનીને તૈયાર થઈ જાય છે પણ ફાળવણી નથી કરાતી, આખરે તે મકાનોમાંથી બારી-બારણા સહિતનો સામાન ચોરાઈ જાય છે, મકાનો ખંડેર બની જાય છે તો શું એ નાણાનો વ્યય નથી?
- સરકારી પુસ્તકો, કે સ્કૂલ ડ્રેસની જાહેરાતો થાય છે પરંતુ તે શાળાનું સત્ર પૂર્ણ થવા આવે ત્યારે પણ તે માંડ વિદ્યાર્થીઓને મળે છે, જ્યારે અમુકવાર તો મળતા જ નથી. સ્કૂલ ડ્રેસ, સ્કૂલ બેગની ગુણવત્તા પર હંમેશા સવાલો ઉઠતા રહ્યા છે. શું આ પ્રજાના ટેક્સના નાણાનો વ્યય નથી?
- ગરીબ વિદ્યાર્થીઓ માટે મધ્યાહન ભોજન યોજના ચાલે છે, પરંતુ તેમને પૌષ્ટિક ભોજન સુદ્ધાં મળતું નથી.
- સરકારી હોસ્પિટલોમાં લોકોને ભ્રષ્ટાચારના કારણે સેવા નથી મળતી. અનેક લોકો સારવાર વિના કમોતે મરે છે. અનેક જિલ્લામાં રોજ નવજાત શિશુઓ અને સગર્ભાઓ મોતને ભેટે છે.
ત્યારે સામાન્ય લોકોને સવાલ થાય છે કે, પ્રજાની સુખાકારી માટે યોગ્ય દિશામાં પૈસા વાપરવામાં સરકાર આટલી બધી ચિંતિત છે, તો પણ નાગરિકોના હાલ બેહાલ કેમ છે?
આ પણ વાંચો : ‘હડતાળ ગેરવ્યાજબી, વહેલી તકે સમેટી લો નહીંતર…’ ઋષિકેશ પટેલની આરોગ્ય કર્મીઓને ચેતવણી!
સરકારી હોસ્પિટલોમાં હજારોની ભરતી બાકી છે, તેનું શું?
આરોગ્ય મંત્રીનું કહેવું છે કે, ‘આરોગ્યકર્મીઓની હડતાળથી નાગરિકો મુશ્કેલીમાં મૂકાય છે’. ત્યારે સવાલ થાય કે જો ફક્ત આરોગ્યકર્મીઓની એક દિવસની હડતાળથી જ નાગરિકોને આરોગ્ય સેવાને અસર પડતી હોય, તો પછી સરકારી હોસ્પિટલોમાં હજારોનો સ્ટાફ ખાલી છે તેનું શું? સરકારી હોસ્પિટલોમાં ડોક્ટરો, નર્સ સહિત વર્ગ ત્રણ-ચારની ઘણી જગ્યા વર્ષોથી ખાલી છે. આ ભરતી કરવામાં સરકાર ઝડપ કેમ નથી બતાવતી?
હાલમાં આરોગ્ય મંત્રીએ જ વિધાનસભામાં આંકડા આપ્યા હતા કે, રાજ્યની મહત્ત્વની હોસ્પિટલોમાં અને સરકારી દવાખાનામાં કેટલી જગ્યાઓ ખાલી છે. ભરતીના અભાવે લોકોને આરોગ્ય સેવા નથી મળતી, ત્યારે તેમને નાગરિકોના આરોગ્યની ચિંતા કેમ નથી થતી?
વગર વિચાર્યે કરેલા આયોજનોમાં પણ કરોડોનો વેડફાટ
અમદાવાદના ઘાટલોડિયા જેવા અનેક વિસ્તારમાં શાકની લારીઓને કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાતી હતી. એટલે તંત્રએ કરોડોના ખર્ચે વેજિટેબલ માર્કેટ ઊભું કરી દીધું, પરંતુ આ માર્કેટમાં કાગડા ઉડી રહ્યા છે. એકેય શાકની લારીવાળા તેનો ઉપયોગ કરતા નથી અને લોકો રોજ સવારે આવીને ત્યાં ચણ નાખી જાય છે. આવા તો રાજ્યના અનેક જિલ્લામાં અમલી અનેક યોજના માટે આવા દાખલા આપી શકાય. તો શું આ કરોડોનો ખર્ચ કરાયો તે પ્રજાના ટેક્સના નાણા નથી? યાદી ઘણી લાંબી છે. ત્યારે ચર્ચા એવી ચાલે છે છે કે, સરકાર કેમ ‘દીવા તળે અંધારા’ જેવી વાત કરે છે? પહેલા પોતે પોતાના ખોટા ખર્ચ બંધ કરે, પછી સલાહ આપે.
આ પણ વાંચો : રાજ્યની મહત્ત્વની ચાર હૉસ્પિટલમાં 5,056 જગ્યા ખાલી, ભરતી અંગેનો સરકારનો જવાબ હાસ્યાસ્પદ