– ગોહિલવાડમાં વિવિધ ઉનાળુ પાકનું અડધુ વાવેતર પૂર્ણ
– મહુવા યાર્ડમાં સપ્તાહના પ્રારંભે સોમવારે 1,31,000 થેલી સફેદ ડુંગળીનું વેચાણ થયું અને ઉંચા ભાવ બોલાયા
ભાવનગર : સૌરાષ્ટ્રના ભાવનગર અને અમરેલી સહિત અલગ અલગ ચાર જિલ્લાઓના ખેડૂતો દ્વારા મહુવાના માર્કેટીંગ યાર્ડમાં ટ્રકો ભરી ભરીને ડુંગળીનો જથ્થો ઠલવાઈ રહ્યો છે. ખેડૂતોની કસ્તૂરી ગણાતી ડુંગળીની ભાવનગર જિલ્લાના માર્કેટીંગ યાર્ડોમાં વિક્રમજનક આવક યથાવત રહેલ છે. અત્રે એ ખાસ નોંધનીય છે કે, ભાવનગર અને મહુવા યાર્ડમાં સફેદ ડુંગળીની આવકમાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે એટલુ જ નહિ તેના ભાવ પણ પ્રમાણમાં ઉંચા મળી રહેતા હોય ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યા છે.
એકબાજુ ગોહિલવાડમાં વિવિધ ઉનાળુ પાકોનું અર્ધુ વાવેતર પૂર્ણ થઈ ગયેલ છે. ગત વર્ષોની તુલનામાં આ વર્ષે પણ કમોસમી વરસાદની આગાહી અને મિશ્ર હવામાનના માહોલમાં ભાવનગર જિલ્લામાં ઉનાળુ બાજરી અને તલ સહિતના પાકના વિસ્તારમાં વૃધ્ધિ નોંધાઈ રહી છે. તેમાંય મહુવા સહિત ભાવનગર જિલ્લાના માર્કેટીંગ યાર્ડોમાં નવી સિઝનની ડુંગળીની ચોતરફથી મબલખ આવક નોંધાઈ રહી છે. એટલે જ સિઝન દરમિયાન મહુવા સહિતના યાર્ડોમાં ડુંગળીની ખરીદી માટે માત્ર સ્થાનિક વિક્રેતાઓ જ નહિ બલકે પરપ્રાંતીય વેપારીઓ પણ ભારે ઉત્સાહ દાખવી રહ્યા છે. અત્રે એ ખાસ ઉલ્લેખનીય છે કે, સમગ્ર ગુજરાત રાજયમાં ભાવનગર જિલ્લામાં મહુવા અને તળાજા પંથકમાં ડુંગળીનું સૌથી વધુ વાવેતર કરવામાં આવી રહ્યુ છે. એટલે જ મહુવા અને તળાજા પંથકમાં સૌથી વધુ ફેકટરીઓ યાને ડિહાઈડ્રેશન પ્લાન્ટ આવેલા છે. નવી સિઝનના પ્રારંભથી જ મહુવા માર્કેટીંગ યાર્ડમાં દિન પ્રતિદિન ડુંગળીની આવકમાં નોંધપાત્ર પ્રમાણમાં વધારો થઈ રહ્યો છે. ભાવનગર માર્કેટીંગ યાર્ડમાં તા.૧૪ ને સોમવારે સફેદ ડુંગળીની ૭૧૨૯ ગુણીની આવક થઈ હતી અને તેના રૂા ૧૫૫ ઉંચા ભાવ બોલાયા હતા, જયારે મહુવા યાર્ડમાં તા.૧૪ ને સોમવારે સફેદ ડુંગળીની ૧,૩૧,૦૦૦ થેલીઓનું વેચાણ કરાયુ હતુ. જયારે તેના ઉંચા ભાવ રૂા ૧૯૩ બોલાયા હતા.