– તંત્રને 12 વીજ પૉલ હટાવવાનું પહેલા યાદ ન આવ્યું
– કોન્ટ્રાક્ટર ડી.એમ. પટેલ દ્વારા એક બાજુનો રોડ બનાવ્યો : 4 મહિનાથી કામ બંધ કરી દેતા હાલાકી
આણંદ : બોરસદ શહેરની વાસદ ચોકડીથી મહાકાળી મંદિર સુધી રોડનું કામ પાલિકાએ રૂા. ૮૮ લાખના ખર્ચે કોન્ટ્રાક્ટર ડી.એમ. પટેલને કામ સોંપ્યું હતું. ત્યારે એમજીવીસીએલના ૧૨ વીજ પોલ નડતરરૂપ બનતા માત્ર એક બાજુનો રોડ બનાવીને કામ ચાર મહિનાથી બંધ કરી દેવાયું છે.
બોરસદ પાલિકા દ્વારા બોરસદની વાસદ ચોકડીથી મહાકાળી માતાજીના મંદિરના રોડને પહોળો કરી વચ્ચે ડિવાઈડર નાખવાના રૂા. ૮૮ લાખાના કામનું ટેન્ડર તા. ૭મી માર્ચ ૨૦૨૪ના રોજ બહાર પાડી કામ કોન્ટ્રાક્ટર ડી.એમ. પટેલને સોંપાયું હતું. બાદમાં એક સાઈડના રોડ અને ડિવાઈડર બનાવવાનું કામ શરૂ કરાયું હતું. પરંતુ, એપીએમસીની દુકાનોથી પોલીસ સ્ટેશન સુધીના રોડનું કામ ખાડા ખોદીને ચાર મહિનાથી અચાનક બંધ કરી દેવામાં આવતા દુકાનદારો સહિત લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે.
બોરસદ પાલિકાના ચીફ ઓફિસર વિરાજ શાહે જણાવ્યું હતું કે, રોડ બનાવવાની કામગીરીમાં અંદાજિત ૧૨ જેટલા વીજ થાંભલા નડતરરૂપ હોવાથી એમજીવીસીએલને ખસેડવા લેખિત જાણ કરાઈ હતી. જે કામગીરી થઈ ન હોવાથી રોડનું કામ બંધ છે.બોરસદ એમજીવીસી એલના અધિકારી એસ.એન. પ્રજાપતિએ જણાવ્યું હતું કે, હાલ સ્ટાફની અછત હોવાથી કામ થઈ શક્યું નથી પરંતુ, આગામી ૧૦ દિવસમાં આ રોડ ઉપરના વીજ પોલ ખસેડવાની કામગીરી પૂર્ણ કરી દેવામાં આવશે.
પાલિકાએ રૂા. ૩૯ લાખ કોન્ટ્રાક્ટરને ચૂકવી પણ દીધા
બોરસદ પાલિકાના એકાઉન્ટ વિભાગમાંથી જાણવા મળેલી માહિતી મુજબ કોન્ટ્રાક્ટર ડી.એમ.પટેલને વાઉચર નંબર ૧૦૩ તા. ૧/૬/૨૪ના રોજ રૂા. ૩. ૯૦ લાખ, વા.નં. ૩૪૩ તા. ૩૦-૯-૨૪થી રૂ. ૧૪.૮૭ લાખ અને વા.નં. ૫૮૨ તા. ૨૦-૧૨-૨૪થી રૂ. ૧૫.૪૩ લાખ મળીને કુલ રૂા. ૩૯ લાખ પાલિકા દ્વારા ચૂકવવામાં આવ્યા છે.
ડિવાઈડરોમાં ગુણવત્તા ન જળવાઈ હોવાના આક્ષેપ
વાસદ ચોકડીથી મહાકાળી મંદિર સુધીના રોડ ઉપર બનાવવામાં આવેલા આરસીસીના ડિવાઈડર કેટલીક જગ્યાએ વાંકાચૂંકા છે. હાલ તેમાં માટી કામ પણ કરવામાં આવેલું નથી અને રોડની ગુણવત્તા પણ જળવાઈ ન હોવાના દુકાનદારો આક્ષેપ કરી રહ્યા છે.
પાલિકાએ પહેલા વીજપૉલ ખસેડયા નહીં
બોરસદ પાલિકાએ રૂા. ૮૮ લાખનું ટેન્ડર બનાવ્યું ત્યારે ૧૨ જેટલા થાંભલા નડતરરૂપ છે તેવી માહિતી હોવા છતાં કામ શરૂ કરતા પહેલા એમજીવીસીએલ પાસે પૉલ ખસેડવાની કામગીરી કરાવી હોત તો કામ અધુરું મુકવાની નોબત ન આવી હોત તેવા સ્થાનિકો આક્ષેપો કરી રહ્યા છે.