– બોટાદમાં વ્યાજખોર પિતા,પુત્ર અને ભત્રીજાએ ગેરેજ સંચાલક અને તેના ભત્રીજાને માર માર્યો
– વ્યાજખોરોને હિસાબ ચૂકતે કરી આપવા છતાં 8 હજાર બાકી હોવાનું કહી ધમકી આપી, બળજબરીથી એકટિવા લઈ ગયા
ભાવનગર : બોટાદમાં ગેરેજ સંચાલકે આઠ વર્ષ પૂર્વે બોટાદના વ્યાજખોરો પાસેથી ઉંચા વ્યાજે લીધેલાં રૂા.બે લાખ વધીને ૨૦ લાખે પહાંચતા યુવકે મકાન અને દુકાન વેચી નાણાં ભરપાઈ કર્યા હોવા છતાં બાકી હિસાબ કાઢી પિતા,પુત્ર અને ભત્રીજાએ યુવક અને તેના ભત્રીજાને માર માર્યો હતો. અને બળજબરીપૂર્વક તેમનું એકટિવા લઈ નાસી છૂટયા હતા. બનાવને લઈ બોટાદ પોલીસે ત્રણેય વિરૂદ્ધ નાણાં ધીરધાર અધિનિયમ સહિતની ગંભીર કલમો અન્વયે ગુનો નોંધ્યો હતો.
બનાવની વિગત એવી છે કે, બોટાદમાં માઢક શેરી, છત્રીવાળા ખાંચામાં રહેતાં અને શીતલ ઓટો ગેરેજ નામથી ધંધો કરી પેટિયું રળતાં ૪૫ વર્ષીય ફિરોઝભાઈ સતારભાઈ વડીયએ બોટાદ પોલીસ સ્ટેશનમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી હતી કે, તેમણે વર્ષ-૨૦૧૭માં તેમના મિત્ર મુન્ના ચોટલિયા અને તેના ભત્રીજા વિવેક કિરીટભાઈ ચોટલિયા પાસેથી માસિક પાંચ ટકાના ઉંચા વ્યાજે રૂા. બે લાખ લીધા હતા.જેના બદલામાં વ્યાજ પેટે માસિક રૂા.પાંચ હજાર ચુકવતાં વર્ષના અંતે કાકા-ભત્રીજાએ બાકી ચડત વ્યાજ રૂા. ૬૦ હજાર ઉમેરી મુદ્દલ વધારીને રૂા.૨.૬૦ લાખ કરી હતી. એ જ રીતે દર વર્ષે વ્યાજ પેટે વાર્ષિક રૂા.૬૦ હજાર ચુકવવા છતાં વર્ષ-૨૦૨૪ના એપ્રિલ માસમાં મુદ્દલમાં વધારા સાથે આ રકમં વધીને રૂા.૨૦,૫૦,૨૦૦એ પહોંચી હતી. જો કે, આ અંદાજે આઠ વર્ષ દરમિયાન વ્યાજ પેટે રૂા.૪.૪૦ લાખ ચૂકવવા છતાં બાકી નાણાં આપવા ફિરોઝભાઈ સહમત થયા હતા અને તેમના મિત્ર નિરવના ખાતામાં મકાન વેચાણ પેટે આવેલાં રૂા.૭,૫૫,૨૦૦નો ચેક તથા કાકા-ભત્રીજાને રૂા.૯ લાખ રોકડા તેમજ ફરિયાદીના ભત્રીજા સોમિલે મુન્નાને રૂા. ૫૦ હજાર અનેતેના પુત્ર હર્ષને રૂા. ૪૫ હજારનું ઓનલાઈન ટ્રાન્ઝેકશન કર્યું હતું.
આ પણ અધુરૂં હોય તેમ ફિરોઝભાઈએ દુકાન વેચી મુન્ના અને વિવેકને બે લાખ રોકડા આપી હુસાબ ચૂકતે કર્યો હતો. છતાં ગત તા.૯ના રોજ કાકા મુન્ના ચોટલિયા તથા ભત્રીજો વિવેક કિરીટભાઈ ચોટલિયાએ વ્યાજના બાકી નાણાં પેટે રૂા.૮ હજાર માંગી ફોન પર ધમકી આપી હતી. જો કે, હિસાબ પૂર્ણ કરવા છતાં કાકા-ભત્રીજાએ ફિરોઝભાઈ તથા તેમના ભત્રીજા સોમીલ ગફારભાઈને ઢીંકાપાટુંનો માર માર્યો હતો. આ વેળાએ મુન્નાનો પુત્ર હર્ષ પણ હાજર હતો. અને તેમનું એકટિવા બળજબરીથી લઈ વ્યાજ ચૂકવી આપવા ધમકી આપી હતી. પોલીસે ગેરજ સંચાલક યુવકની ફરિયાદના આધારે પિતા, પુત્ર અને તેના ભત્રીજા સામે ગુજરાત નાણાંધીરધાર અધિનિયમ સહિતની કલમ અન્વયે ગુનો નોંધ્યો હતો. બનાવે બોટાદ શહેરમાં ભારે ચકચાર મચાવી હતી.