ઇન્દોર,૨૦ માર્ચ,૨૦૨૫,ગુરુવાર
માતાનો પ્રેમ અદ્વીતિય હોય છે. પોતાના સંતાન માટે તે ગમે તેવું સાહસ કરવા તૈયાર થઇ જાય છે. સંતાન માટે માતાના સાહસ અને પ્રેમના અનેક કિસ્સાઓ નોંધાયેલા છે તેવો જ વધુ એક કિસ્સો શ્યોપુરના વિજયપુર પાસે આવેલા ઉમરકલી ગામમાં બન્યો હતો. ઘરમાં રમતા ૯ વર્ષના બાળક પર ચિત્તાએ હુમલો કર્યો હતો. ચિત્તાએ બાળકની ગરદન અને જડબાને મોંઢામાં જકડી રાખ્યું હતું.
બાળકે અચાનક જ ચીસ પાડતા પશુઓને ઘાસચારો નાખી રહેલી માતા દોડીને આવી હતી. ચિત્તાના જડબામાં હાથ નાખીને ખૂબ જોર કરીને પોતાના સંતાનને મોતના મુખમાંથી છોડાવ્યું હતું. હિંસક પાણી શિકાર કરવા માટે જોર કરતું હતું જયારે માતા પોતાના વ્હાલસોયા સંતાનને બચાવવા મરણીયા બની હતી. આ પકડ અને ખેંચતાણ ૧૦ મિનિટ સુધી ચાલી હતી. જો કે વન વિભાગનું માનવું છે કે જે હિંસક પ્રાણીએ બાળક પર હુમલો કર્યો તે ચિત્તો નહી પરંતુ દીપડો હતો.
જો કે પરિવારના સભ્યો માનવા તૈયાર ન હતા. તેમનું કહેવું હતું કે કૂનો નેશનલ પાર્કમાં ચિત્તા વસાવવામાં આવ્યા છે તે ગામની આસપાસ જોવા મળે છે આથી તેઓ દિપડા અને ચિત્તાનો ભેદ સમજી શકે છે. હુમલો કરનારા પ્રાણીની આંખોમાં કાળી ધારદાર લાઇનો હતી. હુમલામાં ગંભીર રીતે ઘાયલ થયેલા નિર્મલ નામના બાળકને ગ્વાલિયરની સુપર સ્પેશિયાલિટી હોસ્પીટલમાં ભરતી કરવામાં આવ્યો છે. તેના શરીર પર ઉજ્જાના નિશાન હોવાથી ૧૨૦થી વધુ ટાંકા લેવામાં આવ્યા છે. બાળકની સ્થિતિ ખતરાની બહાર છે.