– કોલકાતામાં આઇએસએફ પર પોલીસનો લાઠીચાર્જ
– મુર્શીદાબાદ હિંસાનો મામલો સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો, મોતની તપાસ માટે ખાસ ટીમ બનાવવા અરજી કરવામાં આવી
કોલકાતા : પશ્ચિમ બંગાળમાં વક્ફ વિરોધી હિંસામાં મુર્શીદાબાદ પછી વધુ એક જિલ્લો હિંસાની આગમાં હોમાયો છે. ૨૪ પરગણા જિલ્લામાં ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (આઇએસએફ)ના સમર્થકોને કોલકાતા તરફ કૂચ કરતાં રોકી દેવાયા. પોલીસે રોકતા દેખાવકારો ઉગ્ર થઈ ગયા. તેના પછી પોલીસ અને દેખાવકારો વચ્ચે સંઘર્ષ થયો. પોલીસે બળપ્રયોગ કરી ભીડ વિખેરી હતી.
આ સંઘર્ષમાં વાઇરલ થયેલા વિડીયોમાં પોલીસની એક ગાડી નુકસાન પામેલી સ્થિતિમાં નજરે પડી રહી છે. આ ઉપરાંત કેટલાય સળગેલા ટુ-વ્હીલર નજરે પડી રહ્યા છે. વક્ફ સંશોધન કાયદા સામે કોલકાતામાં પ્રદર્શન માટે લાવવામાં આવી રહેલા ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ (આઇએસએફ)ના ટેકેદારોથી ભરેલી બસોને રસ્તામાં જ રોકી દેવાઈ હતી. વક્ફ કાયદા સામે બંગાળના માલદા, મુર્શીદાબાદ સહિત ઘણા જિલ્લામાં વ્યાપક હિંસા જોવા મળી છે. તેને લઈને શાસક પક્ષ તૃણમૂલ કોંગ્રેસ અને વિપક્ષ ભાજપ એકબીજા પર આરોપ લગાવી રહ્યા છે.
મુર્શીદાબાદમાં થયેલી હિંસાને લઇને ટીએમસીએ મોટો આરોપ લગાવતા જણાવ્યું હતું કે બીએસએફના કેટલાક જવાન લોકોને બંગાળમાં પ્રવેશવાની મંજૂરી આપી રહ્યા છે. આ લોકો હિંસા ફેલાવી પરત ફરી રહ્યા છે. આ વાત ભાજપના નેતા દિલીપ ઘોષ પણ કહી ચૂક્યા છે. ટીએમસીએ સવાલ ઉઠાવ્યો હતો કે જો દિલીપ ઘોષ પાસે આ વાતની જાણકારી હોય તો ગૃહ મંત્રાલય અને વડાપ્રધાન તેનાથી કેવી રીતે અજાણ હોઈ શકે છે. ટીએમસીએ એમ પણ દાવો કર્યો હતો કે ગુપ્ત સૂચના મુજબ બીએસએફના કેટલાક જવાન ચપ્પલ પહેરીને માર્ચ કરી રહ્યા હતા અને રાજકીય નારાબાજી કરી રહ્યા હતા. શું બીએસએફના જવાન ચપ્પલ પહેરીને માર્ચ કરે છે. શું બીએસએફના જવાન ચપ્પલ પહેરીને માર્ચ કરે છે. જો તે બીએસએફના જવાન હોય તો આ ગંભીર બાબત છે, જો ન હોય તો આ મોટું કાવતરું હોઈ શકે છે. તેમણે જણાવ્યું હતું કે કેન્દ્રએ આ બાબતને ગંભીરતાથી હાથ પર લેવી જોઈએ.