મુંબઈ : નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના લાંબા સમયથી પેન્ડિંગ રહેલા ઈન્શિયલ પબ્લિક ઓફરિંગ (આઈપીઓ) પૂર્વે હવે એક્સચેન્જ આ માટે કો-લોકેશન મામલે ક્લિનચીટ મેળવવા મૂડી બજાર નિયામક તંત્ર સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) સાથે વાટાઘાટના અંતિમ દોરમાં હોવાનું જાણવા મળે છે.
એનએસઈ તેના અત્યારે સુપ્રિમ કોર્ટ સમક્ષ પેન્ડિંગ રહેલા કો-લોકેશન મામલામાં કન્સેન્ટ સેટલમેન્ટ માટે સેબી સાથે અગ્રીમ વાટાઘાટ કરી રહ્યાનું કહેવાય છે. એનએસઈ પર વર્ષ ૨૦૧૯માં ફટકારાયેલી મૂળ પેનલ્ટીઓને ઓછી કરતા સિક્યુરિટીઝ એપેલેટ ટ્રિબ્યુનલ (સેટ)ના ચૂકાદાને સેબીએ પડકાર્યો છે.
આ મામલે એક જાણકારનું કહેવું છે કે, કો-લોકેશન કેસ ઉકેલવા આ સૌથી મહત્વના મુદ્દે દોઢ મહિના પૂર્વે ચર્ચા શરૂ થઈ ગઈ છે. અત્યારે બન્ને પક્ષો કન્સેન્ટ ધોરણો પર વાટાઘાટ કરી રહ્યા છે. જેમાં સેટલમેન્ટ માટે એનએસઈએ સેબીને કેટલી રકમ ચૂકવવી એ મહત્વનો મુદ્દો છે.
આ બાબતે એક અન્ય વ્યક્તિનું કહેવું છે કે, એનએસઈએ તેના અત્યાર સુધીના સૌથી ખર્ચાળ નીવડેલા સેટલમેન્ટ કેસ ટ્રેડિંગ એક્સેસ પોઈન્ટ (ટીએપી) સેટલ કરવા વર્ષ ૨૦૨૩માં ચૂકવેલી રૂ.૬૪૩ કરોડની રકમથી બમણી જેટલી રકમ ચૂકવવા સેબી એનએસઈને કહી શકે છે. ટીએપી સેટલમેન્ટ સમયે સેબીએ એક્સચેન્જને એવા પ્રશ્નો કર્યા હતા કે, એ સમાન રકમની પ્રમોટરના નેતૃત્વ હેઠળની કંપની પાસેથી માંગ કરશે.
દરમિયાન એનએસઈએ ૨૮, માર્ચના સેબીને એક પત્રથી બાકી મામલા કન્સેન્ટથી ઉકેલવા માગતું હોવાની જાણ કરી હતી. એક્સચેન્જના ગવર્નિંગ બોર્ડ દ્વારા પહેલા જ સ્વિકાર્ય સેટલમેન્ટનો માર્ગ અપનાવવાની યોજનાને મંજૂર કરી છે. એનએસઈએ પણ સેબી પાસેથી નો ઓબ્જેકશન સર્ટિફિકેટ (એનઓસી) માંગ્યું છે.