વડોદરાઃ દોઢ હજાર વર્ષ કરતાં પણ વધુ સમયથી વડોદરા નગરીનો સહવાસ માણી રહેલું માંડવી ભૂતકાળમાં માંડવી પેવિલિયન તરીકે ઓળખાતું હતું.
માંડવીના બાંધકામ વિશે ચોક્કસ માહિતી નથી.પરંતુ કહેવાય છે કે,મુગલ કાળમાં માંડવીની લાકડાના સ્ટ્રક્ચર તરીકે હયાતી હતી.ત્યારબાદ ૧૭૩૨ થી ૧૭૬૮ દરમિયાન પિલાજીરાવ ગાયકવાડે ઉપરનું નવું કન્સ્ટ્રક્શન કરાવ્યું હતું અને ૧૮૫૬માં ઘડિયાળ મુકાયું હતું.
કોર્પોરેશનના પૂર્વ અધિકારી અને વડોદરાની ઐતિહાસિક ધરોહરના જાણકાર રાજુભાઇ શાહે ઉપરોક્ત પ્રાથમિક માહિતી આપતાં કહ્યું હતું કે,માંડવી ગેટનો ઉપયોગ ટેક્સ કલેક્શન માટે કરવામાં આવતો હતો. તે વખતે વડોદરા ખૂબ નાનું હોવાથી શાસકો મહત્વની જાહેરાત અહીંથી કરતા હતા.
માંડવીની રચના એવી હતી કે,નીચેથી હાથી પસાર થાય.માંડવી વડોદરાની ચડતી અને પડતીનું હમસફર રહ્યું છે.તેણે યુધ્ધ જોયાં છે.શાહી સવારીઓ નીહાળી છે.કોમી તોફાનો,કરફ્યૂ,પૂર,કોરોના જોયાં છે.આ ઉપરાંત વિવિધ ધર્મના કાર્યક્રમો અને શોભાયાત્રાઓનું સાક્ષી રહ્યું છે.
આજવા ફાટે તો માંડવીની ટોચ સુધી પાણી પહોંચે,પાવાગઢ સુધી ભોંયરું છે
માંડવી દરવાજા પ્રત્યે વડોદરાવાસીઓમાં એક અનોખું આકર્ષણ છે.આ ગેટ માટે અનેક વાયકાઓ આજે પણ લોકમુખે ચર્ચાતી હોય છે.
માંડવી માટે કહેવાય છે કે,આજવા સરોવર ફાટે તો માંડવીનીટોચ સુધી પાણી આવે.જ્યારે એમ પણ કહેવાય છે કે,માંડવી ગેટનું પાવાગઢ સાથે સીધું કનેક્શન છે.માંડવી નીચે ભોંયરું છે અને તે પાવાગઢ સુધી નીકળે છે.