વડોદરાઃ ગદાપુરા વિસ્તારમાં રહેતા એક ટ્રાવેલ એજન્ટે સગાભાઇના નામની કાર પડાવી લેવા માટે કારચોરીના રચેલું તરકટ ખૂલ્લું પડી જતાં એલસીબી ઝોન-૩ની ટીમે તેને ઝડપી પાડી કાર કબજે લીધી છે.
ગદાપુરાના પેરિસનગરમાં રહેતા અને હિમાંશુ કેપના નામે ટ્રાવેલનું કામ કરતા કેતન સત્યપ્રકાશ અગ્રવાલે વર્ષ-૨૦૨૨ના મોડલની એક સ્વીફ્ટ ડિઝાયર કાર ભાઇ હિમાંશુના નામે ખરીદી હતી.
ગઇ તા.૮-૮-૨૪ના રોજ કેતને આ કાર ડ્રાઇવર વિરેન્દ્ર રાજના ઘર પાસે મુકાવી હતી.જે કાર સવારે ચોરાઇ જતાં કેતને અકોટા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.
દરમિયાનમાં ડીસીપી ઝોન-૩ના એલસીબી સ્ટાફના એએસઆઇ કનકસિંહ અને ટીમને કાર ચોરીની ફરિયાદ ખોટી હોવાની માહિતી મળતાં યુપી ચાલ્યા ગયેલા કેતન અગ્રવાલને ઝડપી પાડયો હતો.પૂછપરછ દરમિયાન પડી ભાંગેલા કેતને ભાઇની કાર ચોરીનું તરકટ રચ્યું હોવાની કબૂલાત કરી હતી.
તેણે કારનો કલર અને નંબર પ્લેટ બદલી નાંખ્યા હતા અને ફેરવતો હતો.આ ઉપરાંત તેણે વીમા માટે ઇન્સ્યોરન્સ કંપનીમાં પણ ક્લેમ કર્યો હોવાનું જાણવા મળ્યું છે.જેથી પોલીસ કંપનીનો સંપર્ક કરનાર છે.