ઉનાળાની કાળઝાળ ગરમીમાં ૧૦-૧૦ દિવસે પાણીં વિતરણથી લોકોને મુશ્કેલી
પાણી, સફાઈ અને રસ્તાના પ્રશ્નથી કંટાળેલા વોર્ડ નં.૪ના રહિશો ચીફ ઓફિસરને રજૂઆત કરવા પહોંચ્યા
સિહોર: સિહોરમાં ઉનાળાની આકરી ગરમીમાં પણ નપાણિયું નગરપાલિકા તંત્ર ૧૦-૧૦ દિવસે પીવાનું પાણી આપતું હોવાથી પ્રજા પાણી માટે ટળવળી રહી છે. પાણીના વિકટ બનેલા પ્રશ્નથી કંટાળેલા લોકોએ ચીફ ઓફિસરને રજૂઆત કરી ચાર-પાંચ દિવસે પાણી આપવા પોકાર કર્યો હતો. આ ઉપરાંત સફાઈ અને રસ્તાને લઈ પણ ચીફ ઓફિસર સમક્ષ હૈયાવરાળ ઠાલવવામાં આવી હતી.
સિહોરમાં નગરપાલિકા તંત્રના પાપે લોકોને પીવાના પાણીની કાયમી સમસ્યા રહે છે. તેમાં પણ અત્યારે ઉનાળાનો સમય હોય, સ્વાભાવિક જ પાણીની વધુ જરૂરિયાત રહેતી હોવા છતાં પણ અઠવાડિયા-દસ દિવસે પાણીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેના કારણે લોકોને નાછૂટકે ટેન્કરો મંગાવવા પડે છે. પાણીનો પ્રશ્ન એટલો વિકટ બન્યો છે કે, દરરોજ બેડાયુદ્ધ થાય તેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. જેથી પાણી પ્રશ્ને આજે મંગળવારે વોર્ડ નં.૪ના રહિશો મોટી સંખ્યામાં એકઠા થયા હતા અને ચીફ ઓફિસરને રજૂઆત કરી દરરોજ કે એકાતરે નહીં પણ ચાર-પાંચ દિવસે પાણીનું વિતરણની વ્યવસ્થા કરવામાં આવે તેવી રોષભેર રજૂઆત કરી હતી. આ ઉપરાંત કચરો ઉપાડતી ગાડી નિયમિત આવે, સફાઈ પણ દરરોજ થાય અને વળાવડથી વોર્ડ નં.૪ સુધી નળથી જળની જે લાઈન નાંખવામાં આવી છે, તેના કારણે રસ્તાની હાલત ઉબડ-ખાબડ થઈ ગઈ હોય, તેનું લેવલિંગ કરી આરસીસી રસ્તો બનાવવાની માંગણી કરાઈ હતી. વધુમાં જો પાણી પ્રશ્નનો વહેલી તકે નિવેડો નહીં લાવવામાં આવે તો આગામી સમયમાં આંદોલાત્મક કાર્યક્રમ યોજવાની ચિમકી ઉચ્ચારવામાં આવી છે.
ઉલ્લેખનિય છે કે, વોર્ડ નં.૪ના રહિશો નગરપાલિકાને નિયમિત વેરો ભરતા હોવા છતાં પણ જીવન જરૂરિયાત એવી પાણીની સુવિધા પૂરી પાડવામાં પણ તંત્રને લાઝ આવતી હોય, લોકોમાં ભારે નારાજગી સાથે રોષની લાગણી ફેલાઈ છે.