Unseasonal Rain in Kutch: કચ્છના ભુજ અને નખત્રાણાના અમુક વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટબન્સના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ જામ્યો હતો. ગુરૂવારે બપોર બાદ ભુજ અને નખત્રાણાના કેટલાક વિસ્તારોમાં અચાનક વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું. ભુજના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ સાથે અમી છાંટણા પડતાં રસ્તા ભીના થઈ ગયા હતા. નખત્રાણાના પાવરપટ્ટી અને ઉલટ વિસ્તાર તેમજ ભુજના કોડકી, મખણા વચ્ચેના વાડી વિસ્તાર ઉપરાંત શહેરના અમુક વિસ્તારોમાં ઝાપટા પડ્યા હતા. જોકે તેની સાથે જ જગતના તાતની ચિંતા વધી ગઇ હતી.
કમોસમી વરસાદના લીધે ખેડૂતોમાં ચિંતાની લાગણી પ્રસરી જવા પામી છે. ભુજ શહેરમાં સાંજના સમયે પવનની ગતિમાં વધારો થતાં ધૂળની ડમરીઓ ઉડી હતી. કેટલાક વિસ્તારોમાં અમી છાંટણા તો કેટલાક વિસ્તારોમાં વરસાદી છાંટા સાથે રસ્તા ભીના થયા હતા.
વરસાદી માહોલના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી. મહત્તમ તાપમાન 35.5 ડિ.ગ્રી. સેલ્સિયસ નોંધાયું હતું. ભુજના કેટલાક વિસ્તારોમાં લાઇટો ગૂલ થઇ ગઇ હતી તો કેટલાક વિસ્તારોમાં લો-વોલ્ટેજના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા હતા. કમોસમી વરસાદના લીધે કેરીના પાકને નુકસાનની ભીતિના લીધે ખેડૂતોમાં ચિંતા પ્રસરી જવા પામી છે.