Surat Corporation : સુરત પાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં બનાવવામાં આવેલા પે એન્ડ યુઝ ટોઈલેટના પાણીનો ધંધાદારી ઉપયોગ થતો હોવાનું બહાર આવ્યું છે. લિંબાયત ઝોનના પે એન્ડ યુઝ ટોઈલેટના પાણીનો બાજુના સર્વિસ સેન્ટર માટે થતો હોવાનું બહાર આવતાં આરોગ્ય સમિતિએ ઈજારદારને દંડ કરવા સાથે બ્લેક લિસ્ટ કરવાની સુચના આરોગ્ય વિભાગને આપી છે. આ ઉપરાંત આરોગ્ય સમિતિની બેઠક 6 મહિના બાદ મળી છે આ બેઠક લાંબા સમય બાદ મળી હોય સંખ્યાબંધ ફરિયાદ કરવામાં આવી હતી.
પાલિકાની આરોગ્ય સમિતિના અધ્યક્ષ નેન્સી શાહે બેઠક અંગેની માહિતી આપતા જણાવ્યુ હતું કે, લિંબાયત ઝોનમાં આંજણા મીઠી ખાતે વિસ્તારમાં પે એન્ડ યુઝ ટોયલેટ બનાવવામા આવ્યું છે પરંતુ આ ટોઈલેટમાં કાયમી ગંદકી રહી છે તેવી ફરિયાદ હતી. આ તપાસ દરમિયાન ટોઈલેટના પાણીનો ઉપયોગ બાજુમાં ગાડી સર્વિસ સ્ટેશન છે તેમાં ગાડી વોશ કરવા માટે થતો હોવાનું બહાર આવ્યું છે. આ બહાર આવતા ઝોને ટોયલેટ લોક કરી દીધું હતું જોકે, ચેરમેને ટોયલેટ લોકો માટે ખુલ્લુ મુકવા સાથે ઈજારદારને બ્લેક લિસ્ટ કરવા તથા દંડ કરવા માટેની સુચના વિભાગને આપી છે.
આ ઉપરાંત પાલિકા વિસ્તારમાં ફુડ સેમ્પલ લેવાની કામગીરી થાય છે તેમાં પણ ઢીલાસ હોવાની વાત કરવામાં આવી છે. 80 લાખની વસ્તીવાળા શહેરમાં એક વર્ષમાં માત્ર 2327 ફુડ સેમ્પલ લેવામાં આવ્યા છે. વરાછા વિસ્તારમાં ડુપ્લીકેટ ઘી અને માખણ સહિત અનેક વસ્તુઓ ડુપ્લીકેટ છે તેવી ફરિયાદ હતી. ફૂડ સેમ્પલ સંખ્યા ઓછી હોવાથી લોકોને અખાદ્ય ખોરાક પીરસાઈ રહ્યો હોવાનું લાગી રહ્યું છે. જેના કારણે હવે 21 ફૂડ ઇન્સ્પેક્ટરની ભરતી થશે તેમાં હવે શિફ્ટમાં સેમ્પલ લેવાની કામગીરી કરવા માટે સુચના આપવામાં આવી છે.
આ ઉપરાંત પાલિકાના પાર્ટી પ્લોટ અને કોમ્યુનિટી હોલમાં હાઉસ કીપીંગ કોન્ટ્રાક્ટ આપ્યો છે પરંતુ સફાઈની કામગીરી ઘણી નબળી હોવાની ફરિયાદ છે. તેથી આકસ્મિક ચેકીંગ કરી કામગીરી યોગ્ય ન કરતી એજન્સી સામે પગલાં ભરવા માટે પણ સુચના આપવામા આવી છે.