Gold Price All Time High: વૈશ્વિક સ્તરે ટ્રેડવૉર અને આર્થિક ગ્રોથ મુદ્દે વધી રહેલા તણાવ વચ્ચે કિંમતી ધાતુમાં તેજી આવી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે સોના-ચાંદીના ભાવોમાં વૃદ્ધિના સથવારે આજે સ્થાનિક બજારોમાં પણ સોનું રેકોર્ડ ઐતિહાસિક ટોચે પહોંચ્યું છે. એમસીએક્સ ગોલ્ડ પ્રથમ વખત રૂ. 95000 પ્રતિ 10 ગ્રામની સર્વોચ્ચ ટોચે પહોંચ્યું છે. જ્યારે અમદાવાદમાં પણ 1900નો ઉછાળો નોંધાવ્યો છે.
અમદાવાદમાં સોનું ઓલટાઈમ હાઈ
અમદાવાદ બુલિયન માર્કેટમાં સોનાનો ભાવ આજે વધુ રૂ. 1900 વધી રૂ. રૂ. 97500 પ્રતિ 10 ગ્રામની ઓલટાઈમ હાઈ સપાટીએ પહોંચ્યું છે. જ્યારે ચાંદીનો ભાવ રૂ. 2000ના ઉછાળા સાથે રૂ. 97000 પ્રતિ કિગ્રા નોંધાયો છે. ટેરિફવૉરના ભય હેઠળ સેફહેવનની ડિમાન્ડ વધતાં સોનું એપ્રિલમાં રૂ. 4000 મોંઘુ થયુ છે. જે 31 માર્ચના રોજ રૂ. 93500 પ્રતિ 10 ગ્રામ પર ક્વોટ થઈ રહ્યું હતું.
આ પણ વાંચોઃ ગુજરાતના સરકારી કર્મચારીઓ-પેન્શનરો માટે ખુશખબર, સરકારે મોંઘવારી ભથ્થું 2 ટકા વધાર્યું
છેલ્લા ચાર વર્ષમાં એમસીએક્સ ગોલ્ડનો ભાવ બમણો થયો છે. જે મે, 2021માં રૂ. 47000 પ્રતિ 10 ગ્રામ હતો. જે આજે નવી 95435ની રેકોર્ડ ટોચે પહોંચ્યો હતો. સાંજે 4.46 વાગ્યે એમસીએક્સ ગોલ્ડ (5 જૂન વાયદો) 1539 રૂપિયા ઉછાળે રૂ. 94990 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું હતું.
94000-95500ની રેન્જમાં અથડાશે
ટેરિફના કારણે અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવૉરની સ્થિતિ વણસી રહી છે. જેને પગલે આંતરરાષ્ટ્રીય સ્તરે કોમેક્સ સોનું 3300 ડોલર પ્રતિ ઔંસની સપાટીએ પહોંચતાં સ્થાનિક સ્તરે એમસીએક્સ સોનું રૂ. 95000 પ્રતિ 10 ગ્રામનું ક્રોસ કરવામાં સફળ રહ્યું છે. વર્તમાન પરિબળોને ધ્યાનમાં રાખતાં એલકેપી સિક્યુરિટીઝના રિસર્ચ એનાલિસ્ટ જતિન ત્રિવેદીએ સોનું 94000-95500ની રેન્જમાં રહેવાનો અંદાજ આપ્યો છે.