અમદાવાદ,બુધવાર,16 એપ્રિલ,2025
અમદાવાદનો ગ્રીન કવર એરીયા વધારવાની સુફીયાણી વાત વચ્ચે બે
વર્ષમાં ૭૦ લાખ રોપાં-વૃક્ષ વાવવા પાછળ રુપિયા ૭૯ કરોડનો ખર્ચ કરાયો
છે.વર્ષ-૨૦૨૪-૨૫માં ૩૦ લાખ રોપાં -વૃક્ષ વાવવા રુપિયા ૩૪ કરોડનો ખર્ચ કરાયો હતો.
વર્ષ-૨૦૨૫-૨૬માં રોપાં-વૃક્ષ વાવવા રુપિયા ૪૫ કરોડનું ટેન્ડર બહાર પડાયુ છે. ત્રણ
વર્ષમાં વાવેલા ૭૦ લાખ પૈકી ૨૪ લાખથી વધુ રોપાં કરમાઈ ગયા છતાં મિશન મિલીયનના નામે
મ્યુનિ.તંત્ર, સત્તાધીશો
કરોડોનો ખર્ચ કરી રહયા છે.
અમદાવાદના ગ્રીન કવર એરિયામાં વધારો કરવાની સુફીયાણી વાતો
વચ્ચે ત્રણ વર્ષમાં બગીચા ખાતાએ શહેરના વિવિધ વિસ્તાર અને મ્યુનિ.ના પ્લોટ તેમજ
રોડ ડિવાઈડર ઉપર વાવેલા ૭૦.૯૪ લાખ રોપાં પૈકી ૨૪.૮૩ લાખ રોપાં કરમાઈ ગયા
છે.વર્ષ-૨૦૧૧માં થયેલી ગણતરી મુજબ શહેરનો ગ્રીન કવર એરીયા ૪.૬૬ ટકા હતો.જે પછી
શાસકો તરફથી શહેરનો ગ્રીન કવર એરીયા ૧૨
ટકાથી વધારીને ૧૫ ટકા સુધી પહોંચાડવાની જાહેરાત કરાઈ હતી.વર્ષ-૨૦૨૫-૨૬ માટે બહાર
પડાયેલા ટેન્ડર અંગે વિગત આપતા રિક્રીએશન કમિટી ચેરમેન જયેશ ત્રિવેદીએ કહયુ, ૨૧ લાખ રોપાં
માટે રુપિયા ૪૫ કરોડનું ટેન્ડર કરાયુ છે. ૨૧ લાખ રોપાં-વૃક્ષ વિવિધ એજન્સી પાસેથી, ૧૪ લાખ
રોપાં-વૃક્ષ ફોરેસ્ટ વિભાગ તરફથી જયારે પાંચ લાખ રોપાં-વૃક્ષ મ્યુનિસિપલ
કોર્પોરેશનની નર્સરી દ્વારા પુરા પાડવામાં આવશે. ૩૦ લાખ રોપાં-વૃક્ષ કયાં વાવવા એ
અંગે મેપીંગ કરાયુ છે.૧૦ લાખ રોપાં-વૃક્ષ વાવવા રેલવે,મેટ્રો વગેરે
સાથે સંકલન ચાલી રહયુ છે.પાંચ જુને વિશ્વ પર્યાવરણ દિવસથી વિવિધ વિસ્તારમાં
રોપાં-વૃક્ષ વાવવાનુ શરુ કરવામાં આવશે.
ત્રણ વર્ષમાં ૬૬ કરોડના કામ કોન્ટ્રાકટરોને અપાયા
ત્રણ વર્ષમાં બગીચા ખાતાએ કુલ રૃપિયા ૬૬.૨૧ કરોડના ૩૯૪ કામ
બગીચાને લગતી કામગીરી માટે કોન્ટ્રાકટરોને આપ્યા હતા. આ પૈકી ૩૨૩ કામ કવોટેશનથી
જયારે ૭૧ કામ સિંગલ ટેન્ડરથી અપાયા હતા.૨૪ લાખથી વધુ રોપાં કરમાઈ જવા છતાં કોઈ
કોન્ટ્રાકટરને બ્લેકલિસ્ટ કરવામાં આવ્યા નથી.
ફેબુ્આરી-૨૬ સુધીમાં ૨૫ લાખ વૃક્ષોની ગણતરી પુરી કરાશે
વર્ષ-૨૦૧૧ પછી પહેલી વાર અમદાવાદમાં ટ્રી સેન્સસની કામગીરી
શરુ કરાઈ છે.સાર ઈન્ડિયા પ્રા.લિ.ને પ્રતિ વૃક્ષ રુપિયા ૭.૮૯ના ભાવથી વૃક્ષ
ગણતરીની અપાયેલી કામગીરી અંગે ચેરમેને કહયુ,
૧ માર્ચથી આ એજન્સીને વર્કઓર્ડર અપાયા પછી દોઢ મહિનામાં ૧.૪૦ લાખ વૃક્ષોની
ગણતરી જી.આઈ.એસ.બેઝ કરાઈ છે. આ ગતિથી કામગીરી થાય તો શહેરમાં આવેલા વૃક્ષોની ગણતરી
પુરી થતાં દશક લાગી જાય. આ માટે એજન્સીને બોલાવી વૃક્ષ ગણતરી માટે ટીમ વધારવા
સુચના અપાઈ છે.ફેબુ્રઆરી-૨૬ સુધીમાં શહેરમાં ૨૫ લાખ વૃક્ષોની ગણતરી પુરી કરાશે. આ
દરમિયાન બીજા અંદાજે દસ લાખ જેટલા વૃક્ષોની ગણતરી કરવાની થશે.
ચાર એમ્યુઝમેન્ટ પાર્ક માટે નવેસરથી ટેન્ડર કરાશે
અમદાવાદમાં બોપલ,લાંભા, મોટેરા ,ગોતા ઉપરાંત
આઈ.સી.બી.ફલોરા પાસે એમ્યુઝમેન્ટ પાર્ક પી.પી.પી.ધોરણે ડેવલપ કરવા મ્યુનિ.તંત્રે
ટેન્ડર કરતા આઈ.સી.બી.ફલોરા પાસે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા બે પાર્ટીએ ટેન્ડર
ભર્યુ હતુ.જયારે બાકીના ચાર માટે સિંગલ ટેન્ડર આવતા નવેસરથી ટેન્ડર કરાશે. ઓઢવ,વસ્ત્રાલ ઉપરાંત
સરખેજ વોર્ડમાં ટી.પી.૮૫ ખાતે એમ્યુઝમેન્ટ પાર્ક બનાવવા પણ વિચારણા ચાલી રહી છે.