રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચ વર્ષ અગાઉ
બાતમીના પગલે એલસીબીની ટીમે વોચ ગોઠવી હતી તે સમયે ઘટના બની ઃ ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટનો ચુકાદો
ગાંધીનગર : ગાંધીનગર જિલ્લાના રખિયાલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પાંચ
વર્ષ અગાઉ બાતમીના પગલે દારૃ ભરેલી કાર પકડવા માટે એલસીબીની ટીમ દ્વારા વોચ
ગોઠવવામાં આવી હતી તે સમયે બે બુટલેગરો દ્વારા કાર ચઢાવીને જવાનની હત્યાનો પ્રયાસ
કરવામાં આવ્યો હતો. જે ગુનામાં ગાંધીનગર ડિસ્ટ્રિક્ટ કોર્ટ દ્વારા આરોપી
બુટલેગરોને પાંચ વર્ષની સખત કેદની સજા અને ૨૦,૫૦૦નો દંડ કરવામાં આવ્યો છે.
આ કેસની મળતી વિગતો પ્રમાણે ગાંધીનગર એલસીબી ટૂમાં ફરજ
બજાવતા હેડ કોન્સ્ટેબલ અશ્વિનસિંહ બિહોલા ગત ૩ નવેમ્બર ૨૦૨૦ના રોજ તેમની ટીમ સાથે
પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે, રખિયાલ મોડાસા રોડ ઉપર બે કારમાં વિદેશી દારૃનો જથ્થો લઈ
જવામાં આવી રહ્યો છે. જે બાતમીના પગલે તેમણે વોચ ગોઠવી હતી અને બાતમીવાળી કાર આવતા
તેને ઊભી રાખવા માટે ઇશારો કરવામાં આવ્યો હતો. જો કે આ બન્ને કારમાં સવાર બુટલેગરો
દ્વારા અશ્વિનસિંહ ઉપર કાર ચઢાવીને હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે સંદર્ભે
રખિયાલ પોલીસ મથકમાં ગુનો દાખલ થતાં આરોપી લોકેશ લાલશંકર કટારા રહે, ડુંગરપુર
રાજસ્થાન અને નાનુરામ જગમાલ કટારા રહે,
ચામુંડા નગર ઘાટલોડીયા અમદાવાદ,
મૂળ ડુંગરપુર રાજસ્થાનની ધરપકડ કરી લેવામાં આવી હતી. જે કેસ ગાંધીનગરના
પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજશ્રી એચ.આઈ ભટ્ટની કોર્ટમાં ચાલ્યો હતો.
જ્યાં સરકારી વકીલ જીગ્નેશ જોષી દ્વારા જરૃરી દસ્તાવેજો રજૂ કરવામાં આવ્યા હતા અને
સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી તેમણે દલીલ કરી હતી કે, એક પોલીસ જવાન
દ્વારા દારૃની હેરાફેરી અટકાવવા માટે પ્રયાસ કરવામાં આવ્યો તે સમયે આરોપીઓ દ્વારા
તેમની હત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેથી આ ગુનામાં આરોપીઓને કાયદામાં
દર્શાવેલી સજા કરવામાં આવે. જેના અનુસંધાને કોર્ટ દ્વારા આ દલીલોને ગ્રાહ્ય રાખીને
બંને આરોપી લોકેશ લાલશંકર કટારા રહે ડુંગરપુર રાજસ્થાન અને નાનુરામ જગમાલ કટારાને
હત્યાના પ્રયાસના ગુનામાં કસૂરવાર ફેરવીને પાંચ વર્ષની સખત કેદની સજા અને ૨૦,૦૦૦ રૃપિયાનો દંડ
કરવાનો હુકમ કરવામાં આવ્યો હતો.