ચિત્રકુટ ફરવા ગયા ત્યારની ચોંકાવનારી ઘટના પુત્રવધૂએ સાસુને ફરિયાદ કરતા તેમણે કહ્યું કે તારા સસરાનાં શરીરમાં તારા પતિ આવે છે એટલે તારા સસરાએ કાંઈ કર્યું નથી
રાજકોટ, : રાજકોટમાં રહેતી 38 વર્ષની વિધવાની તેના તબીબ સસરાએ જાતીય સતામણી કરી, તેની આબરૂ લેવાની ધમકી આપ્યાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. ગાંધીગ્રામ-2 પોલીસે ગુનો દાખલ કરી આરોપી સસરાને નોટીસ આપી છે.
ભોગ બનનાર પરિણીતાએ ફરીયાદમાં જણાવ્યું છે કે, અંદાજે પોણા બે વર્ષ પહેલા તેના પતિનું અવસાન થયું હતું. સાસુ – સસરા ડોકટર છે. સસરા હાલ મેડીકલ સ્ટોરની દેખરેખ રાખે છે.
ગઈ તા. 19.5.2024 ના રોજ તે પુત્ર અને સાસુ-સસરા સાથે ચિત્રકુટ ફરવા ગઈ હતી. તે વખતે બધા રૂમમાં રોકાયા હતાં. રાત્રે તેની જાણ બહાર તેની સાસુની જગ્યાએ સસરા તેની બાજુમાં આવી સુઈ ગયા હતાં. એટલું જ નહીં તેના ગાલ, પેટ અને પ્રાઈવેટ પાર્ટ પર હાથ ફેરવવાનું શરૂ કર્યું હતું. જેને કારણે તે ડરી ગઈ હતી. જાગીને જોયું તો સસરા હતાં. જેથી કહ્યું કે પપ્પા તમે આ શું કરો છો.
તેની સાસુને ઉંઘનો પ્રોબ્લેમ છે. જેથી તે ઉંઘની દવા લઈ અલગ ગાદલામાં નીચે સુઈ ગયા હતાં. સાસુને જગાડવા જતાં સસરાએ કહ્યું કે, તેને જગાડતી નહી, બાકી જોવા જેવી થશે. જેને કારણે ડરી જતા આખી રાત એક ખુણામાં બેસી રહી હતી. સવારે સાસુને આપવીતી કહી હતી. જેની સામે સાસુએ કહ્યું કે, તારા સસરાએ આ વાત કરી છે, તેણે કઈ કર્યું નથી, તેના શરીરમાં તારો પતિ આવ્યો હતો, જેથી તેણે કાંઈ કર્યું નથી, કોઈને આ વાત કહેતી નહીં, નહીતર તને ઘર ચલાવવા માટે પૈસા નહી આપીએ.
પરિણામે તેણે આ વાત કોઈને કહી ન હતી. ગઈ તા. 24 માર્ચના રોજ બપોરે તેના ઘરે બેન બનેવી આવ્યા હતાં. તે દિવસે સસરા પણ તેના ઘરે આવ્યા હતાં અને કહ્યું કે, હવે હું અહી જ રહીશ, મારે તારી સાસુ સાથે બનતું નથી, તું જા અને મારા કપડા ઉપરાંત સામાન લઈ આવ, મારે અહીં જ રહેવું છે. જેથી તેણે કહ્યું કે, ઘરે મહેમાન આવ્યા છે, આવું સારૂ ના લાગે, આપણે શાંતીથી વાત કરીએ, મારા સાસુને અહીંયા રહેવા બોલાવીએ.
ત્યાર પછી તેણે સાસુને કોલ કરતા તેણે કહ્યું કે, મારે તેની સાથે કાંઈ લેવા દેવા નથી, તેનું કોઈ બીજી સાથે અફેર ચાલે છે. બાદમાં સસરા તેના ઘરે જ રોકાઈ ગયા હતાં, સાંજે જમીને તેના બેન બનેવી રૂમમાં સુવા જતા રહ્યા હતાં. જયારે તે પુત્ર સાથે બીજા રૂમમાં સુવા ગઈ હતી, રાતનાં સાડા ત્રણ વાગ્યાની આસપાસ તેના સસરાએ તેના રૂમનો દરવાજો ખખડાવ્યો હતો.
જેથી તેણે દરવાજો ખોલતા સસરા રૂમમાં આવી ગયા હતાં અને કહ્યું કે, મને જગ્યા બદલતા ઉંઘ આવતી નથી, જેથી હું આ રૂમમાં જ સુઈ જાઉ છું. બાદમાં તેનો હાથ પકડી તેના પ્રાઈવેટ પાર્ટને અડવાની કોશીષ કરવા લાગ્યા હતાં. એટલું જ નહીં તેની સાથે જબરજસ્તી કરવા લાગ્યા હતાં. જેથી તેને ધક્કો મારી દીધો હતો અને બાજુના રૂમમાં સુતેલા બહેન બનેવીને ઉઠાડયા હતાં.
પરંતુ બદનામીના કારણે તેમને સત્ય હકીકતો જણાવી ન હતી. ઉંઘ આવતી નહી હોવાનું બહાનું કાઢ્યું હતું. બાદમાં સવાર સુધી તેની સાથે જાગી હતી. બીજા દિવસે બહેન બનેવી ઉપરાંત માતા-પિતાની આપવીતી કહી હતી. તેના સસરા તેને એમ કહીને ડરાવતા હતાં કે અમે ડોકટર છીએ, અમારી પહોંચ ઉંચી છે, તું અમારૂ કશું કરી શકીશ નહીં, અમે તને બદનામ કરી દેશુ. આખરે ગઈકાલે સસરા વિરૂધ્ધ ગાંધીગ્રામ-૨ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી હતી.