ગાંધીનગર નજીક આવેલા સોનારડામાં
ઘાયલ યુવાનને સારવાર માટે દહેગામ ખસેડાયો ડભોડા પોલીસે ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કર્યો
ગાંધીનગર : ગાંધીનગર શહેર નજીક આવેલા સોનારડા ગામમાં થઈ રહેલા ઝઘડામાં
વચ્ચે છોડાવવા માટે પડેલા યુવાન ઉપર ઘાતક હથિયારથી હુમલો કરવામાં આવ્યો હોવાની
ઘટના બહાર આવી છે. ઘાયલ યુવાનને સારવાર માટે દહેગામની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
હતો ત્યારે આ મામલે ડભોડા પોલીસ દ્વારા ચાર વ્યક્તિઓ સામે ગુનો દાખલ કરીને તપાસ
શરૃ કરવામાં આવી છે.
આ ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે સોનારડા
ગામમાં રહેતા કરણ વિક્રમજી ઠાકોર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી કે, ગઈકાલે સાંજના
સમયે તે ઘરે હાજર હતો તે સમયે તેના કૌટુંબીકભાઈ કુલદીપ સુરેશજી ઠાકોરે ફોન કરીને
કહ્યું હતું કે, હું
નરેન્દ્રભાઈ ભંગારવાળાને ત્યાં કામ કરવા આવ્યો છું તે સમયે આપણા ગામના રવિભાઈ
ભરતભાઈ પટેલ, ભરતભાઈ
પુંજાભાઈ પટેલ તથા અજય રમેશભાઈ પટેલ તથા ચકો પુનમભાઈ પટેલ પાઇપના ભાવ બાબતે
બોલાચાલી કરતા હતા તે વખતે હું તથા વિરલા વિષ્ણુભાઈ ઠાકોર તથા વિષ્ણુભાઈ ઠાકોર
છોડાવવા વચ્ચે પડતા આ રવિ હાથમાં ગુપ્તી તથા ભરતભાઈ હાથમાં પાઇપ લઈ આવી અમને માર
માર્યો છે તેવી વાત કરતા કરણ તુરંત જ ત્યાં પહોંચ્યો હતો. જ્યાં જોયું તો રવિ
હાથમાં ગુપ્તી તથા ભરતભાઈ પાઇપ લઈને તેમજ અજય અને ચકો કુલદીપ તથા વિરલ અને વિષ્ણુભાઈને
ગળદા પાટુનો માર મારતા હતા. જેથી તે છોડાવવા માટે વચ્ચે પડતા રવિએ હાથમાંથી ગુપ્તી
તેનાં માથાના ભાગે મારતા તે નીચે પડી ગયો હતો અને લોહી નીકળવા લાગ્યું હતું તેમજ
વિશાલને પણ માર માર્યો હતો. આ મારામારીને પગલે આસપાસના લોકો આવી ગયા હતા અને વધુ
મારમાંથી છોડાવ્યા હતા. ત્યારબાદ આ શખ્સોએ જતા જતા કહ્યું હતું કે અમારી મેટરમાં
વચ્ચે પડયા છો તો તમને જાનથી મારી નાખીશું ત્યારબાદ તેને સારવાર માટે દહેગામની
હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. હાલ આ અંગે ડભોડા પોલીસ દ્વારા ચાર વ્યક્તિઓ
સામે ગુનો દાખલ કરીને તપાસ શરૃ કરવામાં આવી છે.