ભાજપમાં વધુ લેટર બોમ્બથી ફૂટયો આંતરિક અસંતોષ : પક્ષના જ કોઈ નેતાનું કારસ્તાન હોવાની શંકા, ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયાએ એસ.પી.ને પત્ર મોકલીને તપાસ કરવા રજૂઆત કરી
રાજકોટ, : રાજકોટ શહેર અને જિલ્લામાં ભાજપના જ નેતાઓ શિસ્તમાં રહીને હવે અસંતોષને પત્રો વાયરલ કરીને અસંતોષ વ્યક્ત કરી રહ્યાનું બહાર આવ્યું છે. ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા ઉપર ભ્રષ્ટાચાર સહિતના ગંભીર આક્ષેપો કરતો પત્ર આજે વાયરલ થતા ભારે ચકચાર જાગી છે અને જૂથવાદ સપાટી પર આવ્યો છે.આ અંગે ધારાસભ્યએ જિલ્લા પોલીસ વડાને પત્રની કોપી મોકલીને આવું કૃત્ય કરનાર સામે પગલા લેવાની માંગણી કરતી રજૂઆત કરી છે.
ઉપલેટાથી મળતા અહેવાલ મૂજબ ધોરાજી-ઉપલેટાના ધારાસભ્ય અને સૌ.યુનિ.ના પૂર્વ કુલપતિ ડો.મહેન્દ્ર પાડલિયા વિરૂધ્ધનો આ પત્ર પોસ્ટથી અનેક લોકોને મોકલવામાં આવ્યો છે. પત્રમાં ભાજપના ધારાસભ્ય પાડલિયા નાના કોન્ટ્રાકટ્રરો પાસેથી રૂ।.બે-ત્રણ હજાર ઉઘરાવે છે, પી.જી.વી.સી.એલ.ના એન્જિનિયર અને મામલતદાર સહિત અધિકારીઓ પાસેથી હપ્તા લે છે ,નગરપાલિકામાં વહીવટદારના શાસનમાં ભારે ભ્રષ્ટાચાર આચરાયો છે તેમજ વ્યભિચાર સહિતના ગંભીર આક્ષેપવાળો પત્ર ‘લિ.ભાજપ અને સંઘની કાર્યકર્તા ‘ તેવા નામથી વાયરલ કરીને તેમાં આ પત્રની કોપી દિલ્હી અને ગુજરાત પ્રદેશ ભાજપને મોકલાયાનું જણાવાયું છે.
આ અંગે ધારાસભ્યનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું કે આ પત્રની કોપી મારી પાસે આવી છે, અમારા પક્ષના કોઈએ ઈર્ષા અને દ્વેષથી પીડાઈને આ પત્ર લખ્યાની શંકા છે અને મારા પર ખોટા આક્ષેપો કર્યા છે જે બદલ એસ.પી.ને પત્રની કોપી સાથે આ શખ્સ વિરૂધ્ધ પગલા લેવા મૌખિક રજૂઆત કરી છે. નગરપાલિકા વખતે પણ આવા આક્ષેપ કરતા નનામા પત્રો વાયરલ થયા હતા.