વડોદરાઃ રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ સાથે સંકળાયેલા સંગઠન ભારતીય શિક્ષણ મંડળના ગુજરાત પ્રાંત દ્વારા ૫૬મા સ્થાપના દિવસની તા.૨૧મીએ અમદાવાદ ખાતે ઉજવણી થવાની છે.આ કાર્યક્રમમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગના રાજ્ય કક્ષાના મંત્રી પ્રફુલ પાનસેરિયા હાજર રહેવાના છે.
જોકે આ કાર્યક્રમ યોજાય તે પહેલા જ વિવાદ સર્જાયો છે.કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને એમ.એસ.યુનિવર્સિટીના વિવાદાસ્પદ પૂર્વ વાઈસ ચાન્સેલર ડો.વિજય શ્રીવાસ્તવને રાખવામાં આવ્યા હતા.જેની સામે એમ.એસ.યુનિવર્સિટીની એજ્યુકેશન ફેકલ્ટીના વરિષ્ઠ પ્રોફેસર પ્રો.સતીશ પાઠકે ભારતીય શિક્ષણ મંડળના મંત્રી અને સહમંત્રીનું ધ્યાન દોર્યું હતું અને ડો.શ્રીવાસ્તવની હાજરી સામે વાંધો ઉઠાવ્યો હતો.એ પછી ભારતીય શિક્ષણ મંડળે નવી આમંત્રણ પત્રિકા જાહેર કરીને ડો.શ્રીવાસ્તવને કાર્યક્રમના અધ્યક્ષપદેથી હટાવીને અન્ય અધ્યાપકની નિમણૂંક કરી છે.
પ્રો.પાઠકે કહ્યું હતું કે, મેં શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયા અને રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સરસંચાલક મોહન ભાગવતને પણ પત્ર લખ્યો છે અને કહ્યું છે કે, ડો.શ્રીવાસ્તવની શૈક્ષણિક લાયકાત મુદ્દે હાઈકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે અને તેમને શરમજનક રીતે રાજીામુ આપવું પડયું છે.આ વ્યક્તિ જો શિક્ષણ મંત્રી સાથે એક જ સ્ટેજ પર હોત તો ભારતીય શિક્ષણ મંડળની અને આરએસએસની વિશ્વસનિયતાને પણ લાંછન લાગત.આ બાબતની નોંધ લેવામાં આવી છે અને ડો.શ્રીવાસ્તવને અધ્યક્ષ સ્થાનેથી હટાવી દેવાયા છે.પ્રો.પાઠકે સાથે સાથે ડો.શ્રીવાસ્તવને ભારતીય શિક્ષણ મંડળના ગુજરાત પ્રાંતના અધ્યક્ષ પદેથી દૂર કરવા માટે પણ માગ કરી છે.