શહેરના કેટલાક વેપારીઓ સાથે ચેક આપીને લાખોનો માલ વગે કરવાના કિસ્સામાં ગઇકાલે રાતે કેટલાક વેપારીઓએ ચાર જણા સાથે તકરાર થતાં મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.જ્યાં પોલીસે રોશન પટેલ સામે પીધેલાનો અને કારમાંથી દારૃની ત્રણ બોટલ મળવાનો કેસ કર્યો હતો.જ્યારે બાકીના ત્રણ ફરાર થઇ ગયા હતા.
શહેરના કેટલાક વેપારીઓ પાસેથી રોશન પટેલના નામે હાર્ડવેર,પેઇન્ટ અને સ્ટીલ નો લાખોની કિંમતનો માલ ખરીદવામાં આવ્યો હતો.ખરીદનારનું નામ રોશન પટેલ તરીકે આપવામાં આવ્યું હતું.
શરૃઆતમાં વેપારીને વિશ્વાસમાં લેવા માટે ૧૫ થી ૩૦ ટકા જેટલી કેશ આપવામાં આવતી હતી અને બાકીની રકમનો ચેક આપવામાં આવતો હતો.પરંતુ આ ચેક બેલેન્સને અભાવે બાઉન્સ થતો હોવાથી વેપારીઓ ચોંક્યા હતા.
ગઇકાલે રાતે હરણી તળાવ પાસે વેપારીઓએ રોશન પટેલ સહિત ચારને ઝડપી પાડયા હતા.જો કે પોલીસે રોશન રમેશભાઇ પટેલ(કૃષ્ણકુંજ સોસાયટી,ન્યુ વીઆઇપી રોડ મૂળ અરોડા, ઇડર)ને દારૃ પીધેલાનો અને કારમાંથી ત્રણ બોટલ મળતાં પઝેશનનો કેસ કર્યો હતો.જ્યારે દારૃ લાવનાર યુવરાજસિંહ દીપસિંહ વાળા (મીતલ ગામ,ખંભાત)મોસીક પારસીયા અને પીન્ટુ પટેલને વોન્ટેડ જાહેર કર્યા છે.
વેપારીઓનો આક્ષેપ,પોલીસે ત્રણ જણાને ભગાડી દીધા છે
વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે,પોલીસે અમારું સાંભળ્યું નહતું અને ચેક બાઉન્સ થાય પછી કલમ ૧૩૮ મુજબ કાર્યવાહી કરજો તેમ કહ્યું હતું.તેમણે ત્રણ જણાને ભગાડી દીધા હતા.