ચોટીલા-રાજકોટ હાઈવે પર ખેરડી ગામ નજીક
ખુશ્બુ હોટલમાં બાયોડીઝલ ભરેલા ટાંકાને પ્લેટફોર્મ બનાવી તેની ઉપર જોમખી રીતે રસોઇ થતી હતી
સુરેન્દ્રનગર: ચોટીલા હાઈવે પરથી પ્રાંત અધિકારી સહિતની ટીમે ખેરડી ગામ નજીક હોટલ ખુશ્બુ અને નાગરાજમાંથીમાંથી ૫૦૦૦ લીટર ગેરકાયદેસર બાયોડિઝલ સહિત રૂા.૫.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે. ચોટીલા પ્રાંત અધિકારીની ટીમે બંને હોટલો સીલ કરી હોટલ માલીક સામે કાર્યવાહી હાથધરી.
ચોટીલા પ્રાંત અધિકારી સહિતની ટીમે ચોટીલા-રાજકોટ હાઈવે પર ખેરડી ગામ પાસે આવેલા હોટલ નાગરાજ અને હોટલ ખુશ્બુમાં સરપ્રાઈઝ ચેકિંગ તેમજ રેઈડ કરી હતી. જેમાં બંને હોટલોમાંથી પાકા બાંધકામ કરેલા અલગ-અલગ ત્રણ ટાંકાઓ મળી આવ્યા હતા. જે ટાંકામાં ગેરકાયદે બાયોડિઝલનો સંગ્રહ કર્યો હોવાનું માલુમ પડયું હતું. હોટલ નાગરાજમાંથી અંદાજે ૪૦૦૦ લીટર તેમજ હોટલ ખુશ્બુમાંથી અંદાજે ૧૦૦૦ લીટર મળી કુલ ૫૦૦૦ લીટર બાયોડિઝલ કિંમત રૂા.૩.૭૫ લાખ ઝડપી પાડયું હતું તેમજ અન્ય મુદ્દામાલ કિંમત રૂા.૧.૯૦ લાખ મળી કુલ રૂા.૫.૬૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
ખુશ્બુ હોટલમાં બાયોડીઝલ ભરેલા બે ટાંકાને રસોડાનું પ્લેટફોર્મ બનાવી તેના પર રસોઈ બનાવવામાં આવતી હતી. જે ખુબ જ જોખમી કામગીરી હોવાનું માલુમ પડયું હતું. બાયોડિઝલના નમુનાઓ લઈ વધુ તપાસ હાથધરી છે તેમજ બંને હોટલોને સીલ મારી નાગરાજ હોટલના માલીક યુવરાજભાઈ કનુભાઈ ધાધલ અને ખુશ્બુ હોટલના માલીક જોરૂભાઈ ભોજભાઈ ધાધલ (બંને રહે.ખેરડી તા.ચોટીલા) સામે વિવિધ કલમો હેઠળ કાર્યવાહી કરી તમામ મુદ્દામાલ સીઝ કર્યો છે. જ્યારે ફરી એક વખત હાઈવે પર આવેલ હોટલમાંથી બાયોડિઝલ ઝડપાતા અસામાજીક પ્રવૃત્તિઓ કરતા શખ્સોમાં ફફડાટ ફેલાઈ ગયો છે.