Vadodara Water Problem : ઉનાળાની ત્રાહિમામ ગરમીમાં શહેરના વિવિધ વિસ્તારમાં પાણીનો કકળાટ શરૂ થયો છે ત્યારે કારેલીબાગ વુડા સર્કલ પાસેની જલારામ નગર વસાહતમાં છેલ્લા કેટલાય વખતથી પાણીનો ત્રાસ છે. સ્થાનિકોને બહારથી પાણીના જગ લાવવા પડતા હોવાનું જણાવી સ્થાનિકોએ કોર્પોરેશન હાય હાયના પોકાર પાડીને થાળીઓ વગાડી વિરોધ કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઉનાળાની ત્રાહિમામ ગરમીમાં શહેરના વિવિધ વિસ્તારોમાં પાણી પૂરતા પ્રમાણમાં નહીં મળતું હોવાની અનેક ફરિયાદો મુદ્દે સ્થાનિક રહીશોએ પાલિકા સામે મોરચા માંડ્યા છે ત્યારે કારેલીબાગ વુડા સર્કલ પાસે આવેલી જલારામ નગર વસાહતમાં 25 વર્ષ અગાઉ પાણીની લાઈન નાખવામાં આવી હોવાનું કહેવાય છે. ત્યારબાદ પાણીની લાઈન બાબતે કોઈ જાતની કાળજી લેવાય નથી. સ્થાનિક કોર્પોરેટરોને વારંવાર રજૂઆત છતાં પાણીનું નામ ભૂ થયું છે. આ વિસ્તાર દત્તક લેનાર કોર્પોરેટર રૂપલ શાહ આ વિસ્તારની કાળજી લેવા કે હાલચાલ પૂછવા પણ ક્યારેય આવ્યા નથી પાલિકામાં લેખિત અરજીઓ છતાં કોઈ નિરાકરણ આવતું નહીં હોવાનું કહેવાય છે. પાણી પુરવઠા વિભાગમાં કરેલા ફોન દરમિયાન અધિકારીએ જણાવ્યું કે જેસીબી નહીં હોવાનું બહાનું બતાવ્યું હોવાના આક્ષેપ કર્યા છે. સ્થાનિક લોકોએ પાલિકા વિરુદ્ધ હાય હાય સૂત્રો પોકારી વિરોધ કર્યો હતો.