પડધરીના તરઘડીમાં આવેલા ચાના પેકિંગ યુનિટમાંથી ચોરી કરનાર તસ્કરને રાજકોટના ભક્તિનગર પોલીસે ઝડપી લઈ પડધરી પોલીસને સોંપ્યો
રાજકોટ, : પડધરીનાં તરઘડી ગામે આવેલા ઉમિયા ટી પ્રા. લી.ના પેકિંગ યુનિટમાં સ્ત્રી વેશ ધારણ કરી ઘૂસેલો તસ્કર રૂા. 7 લાખની રોકડ સાથેની તિજોરી ચોરી ગયો હતો. જેને રાજકોટના ભક્તિનગર પોલીસે ઝડપી લઈ પડધરી પોલીને સોંપી દીધો હતો. જે હવે આગળની તપાસ કરશે.
આ અંગે યુનિટના માલીક રમણિકભાઈ વાલજીભાઈ સાણદીયા (રહે. સાંઈનગર સોસાયટી, જગન્નાથ ચોક, 150 ફૂટ રિંગ રોડ)એ ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યું હતું કે ગઈ તા. 15ના રોજ યુનિટના એકાઉન્ટન્ટ નિકુંજભાઈએ ચોરી થયાની જાણ કરી હતી. જેથી તત્કાળ જઈ જોતાં પોતાની ઓફિસમાં કબાટમાં ફિટ કરેલી તિજોરી ગાયબ મળી હતી. જેમાં રૂા. 7 લાખની રોકડ હતી.
સીસીટીવી ફૂટેજ ચેક કરતાં સ્ત્રી વેશ ધારણ કરેલો એક શખ્સ બુકાની બાંધી રાત્રે 12.15 વાગ્યે પ્રવેશ કરતો દેખાયો હતો. જે કોશની મદદથી કબાટમાં ફીટ કરેલી તિજોરી કાઢી લઈ ગયો હતો. પડધરી પોલીસે ચોરીનો ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી હતી. બીજી તરફ રાજકોટના ભક્તિનગર પોલીસે આ ચોરી કરનાર મોરબીના અંકિત વીકાણીને ઝડપી લીધો હતો. પડધરી પોલીસે તેનો કબજો મેળવી રૂા. 7 લાખની રોકડ સાથેની તિજોરી કબજે કરી હતી. બાઈક ઉપર તિજોરી લઈ ગયાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. બીજી કોઈ ચોરીમાં સંડોવણી છે કે કેમ તે સહિતના મુદ્દે હવે પડધરી પોલીસે તપાસ આરંભી છે.