Jamnagar : જામનગર જિલ્લાના જોડિયા પંથકમાંથી એક ટ્રકમાં 50 જેટલા અબોલ જીવોને ભરીને કચ્છમાં કતલખાને લઈ જવાતા હોવાનું ધ્યાનમાં આવતાં વિશ્વ હિન્દુ પરિષદના અગ્રણીની ફરિયાદના આધારે પોલીસે એક કસાઈ શખ્સ સામે ગુનો નોંધ્યો છે, અને ટ્રક કબજે કરી લઇ અંદર રહેલા તમામ 50 પશુઓને બચાવી લઈ પાંજરાપોળમાં મોકલી દેવાયા છે.
આ ફરિયાદ અંગેના બનાવની વિગત એવી છે કે મોરબી પંથકના વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ કમલેશભાઈ ભગવાનભાઈ ઝુંઝા કે જેઓ એ ગઈકાલે જોડિયા પોલીસ મથકમાં આવીને ફરિયાદ કરી હતી કે જી.જે 12 એ.યુ.8645 નંબરના મોટા ટ્રકમાં સંખ્યાબંધ પશુઓને ખીચોખીચ ભરીને મોકલવામાં આવી રહ્યા છે.
જે ફરિયાદના અનુસંધાને જોડિયા પોલીસે સ્થળ પર પહોંચી કઈ રૂપિયા પાંચ લાખની કિંમતનો ટ્રક કબજે કરી લીધો હતો, જ્યારે ટ્રકની અંદર ભેંસના પાડા અને પાડી સહિતના અંદાજે 50 જેટલા જીવોને બાંધીને ભરીને રાખ્યા હતા,
જે તમામને નીચે ઉતાર્યા હતા, અને તમામ પશુઓને બચાવી લઇ પાંજરાપોળમાં મોકલી આપ્યા છે.
પોલીસે બનાવના સ્થળેથી કચ્છના વતની ઇસબશા જમનશા શેખ નામના શખ્સની અટકાયત કરી લીધી છે, અને તેં સામે પશુ પ્રત્યે ઘાતકી પણાની કલમ સહિતની અન્ય જુદી-જુદી કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.