– 5 વર્ષ પૂર્વે ભાગ આપવાના બહાને અડપલા કર્યા હતા
– ભોગ બનનારને રૂા. 50,000 નું વળતર ચૂકવવા પોક્સો કોર્ટે હુકમ કર્યો
રાજુલા : રાજુલા તાલુકાના કુંભારિયા ગામના શખ્સને બાળા સાથે અપકૃત્ય કરવાના કેસમાં પોક્સો કોર્ટે ૨૦ વર્ષ સખત કેદની સજા ફટકારી છે. જ્યારે ભોગ બનનારને અર્ધો લાખ રૂપિયા વળતર પેટે ચૂકવવા હુકમ કરવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર રાજુલના કુંભારિયા ગામે રહેતો જયસુખ ધનજીભાઈ કડેવાળ નામના શખ્સે વર્ષ ૨૦૨૦માં એક બાળકીને ઈરાદાપૂર્વક લલચાવી-ફોસલાવી ભાગ આપવાના બહાને તેણી સાથે શારીરિક અડપલા કર્યા હતા. જે અંગે ભોગગ્રસ્તના વાલીએ જયસુખ કડેવાળ સામે રાજુલા પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે શખ્સની ધરપકડ કરી હતી. દરમિયાનમાં આ અંગેનો કેસ રાજુલાના એડીશનલ સેશન્સ અને સ્પેશિયલ (પોક્સો) કોર્ટના જજ ડી.સી. ત્રિવેદી સમક્ષ ચાલી જતાં જિલ્લા મદદનીશ સરકારી વકીલ બી.એમ. શિયાળની ધારદાર દલીલો, દસ્તાવેજી પુરાવાઓને ગ્રાહ્ય રાખી કોર્ટે આરોપી જયસુખ કડેવાળને આઈપીસી ૩૭૬ના ગુનામાં ૨૦ વર્ષ સખત કેદની સજા, રૂા.૧૫,૦૦૦નો દંડ તેમજ પોક્સો એક્ટની કલમ ૪,૬,૮ના ગુનામાં તકસીરવાન ઠેરવી અલગ-અલગ સજા નહીં કરતા એક સાથે ૨૦ વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. આ ઉપરાંત ભોગ બનનારને વિક્ટીમ કોમ્પેનસેશન મુજબ રૂા.૫૦,૦૦૦ વળતર તરીકે ચૂકવવા પણ હુકમ કર્યો છે.