અમદાવાદમાં GMDC ગ્રાઉન્ડમાં જૈન ઇન્ટરનેશનલ ટ્રેડ ઑર્ગેનાઇઝેશન (JITO) દ્વારા વિશ્વ કલ્યાણના સંકલ્પને જન જન સુધી પહોંચાડવા 9 એપ્રિલે ‘નવકાર મહામંત્ર’ દિવસનું આયોજન કરાયું હતું. આ એક અદ્ભૂત ક્ષણ હતી, પરંતુ આ સુંદર ધાર્મિક કાર્યક્રમનો ફિયાસ્કો થઈ ગયો હોવાની જૈન સમાજમાં ચર્ચા ચાલી રહી છે. આ કાર્યક્રમમાં નવકાર મંત્રના જાપનો મૂળ હેતુ જળવાયો નહીં અને કાર્યક્રમમાં લાંબા ભાષણથી કંટાળીને અનેક લોકોએ ચાલતી પકડી હોવાની ચર્ચાએ જોર પકડ્યું હતું. બીજી બાજુ આખા કાર્યક્રમમાં અરિહંત પરમાત્મા અને સાધુ-ભગવંતોને બદલે નેતાઓના ચહેરાને મોટા ચીતરી દેવાતાં જૈનો નારાજ થયા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.
લાંબા ભાષણથી કંટાળી જૈન શ્રાવકોએ અધવચ્ચેથી ચાલતી પકડી
અમદાવાદમાં આયોજિત આ કાર્યક્રમના નવકાર મહા મંત્રના સામૂહિક જાપ કરવા 25 હજારથી પણ વધુ લોકો એકત્રિત થયા હોવાનો દાવો કરાયો હતો. સવારથી શરુ થયેલા આ કાર્યક્રમમાં નવકાર મહા મંત્રના જાપ માટે જૈન ભાવકો હોંશે હોંશે જોડાયા હતા પરંતુ તેમની આશા ઠગારી નીવડી હતી. કારણ કે, પંદરેક મિનિટમાં મંચ પર રહેલા વાજિંત્ર કલાકારોએ 12 નવકાર ગણીને મુખ્ય કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરી દીધી હતી. બાદમાં આશરે 50 મિનિટ સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાર્યક્રમમાં વર્ચ્યુઅલી જોડાઈને ભાષણ આપ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ‘હું નાનપણથી જૈન મુનિઓનું સાનિધ્ય પામ્યો છું. નવકાર મહા મંત્ર એટલે 108 ગુણોને નમસ્કાર. આ મહા મંત્ર આત્મશુદ્ધિનો મંત્ર છે.’ જો કે લાંબા ભાષણથી કંટાળેલા શ્રાવકોએ અધવચ્ચેથી જ કાર્યક્રમમાંથી ચાલતી પકડી હતી.
નવકાર મહા મંત્રના જાપનો મૂળ હેતુ કોરાણે મૂકાયો
આ દરમિયાન અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડમાં વહેલી સવારે નવકાર મહા મંત્રના જાપ કરવા આવેલા જૈન ભાવકોને આંચકો લાગ્યો હતો. એક બાજુ આયંબિલની ઓળી ચાલી રહી છે, ત્યારે હજારો જૈન શ્રાવકો સવારે 7 વાગ્યાથી શ્રદ્ધાપૂર્વક નવકાર મહા મંત્રના જાપ કરવા પહોંચ્યા હતા અને બીજી બાજુ કાર્યક્રમને રાજકીય રંગ આપી દેવાયો હતો. આશરે 2.30 કલાક સુધી ચાલેલા આ કાર્યક્રમમાં શ્રાવકોને હતું કે અહીં તેઓ ઊંડી શ્રદ્ધાથી એકાગ્ર ચિત્તે નવકાર મહા મંત્રનો જાપ કરશે પરંતુ અહીં પરિસ્થિતિ તેનાથી તદ્દન વિપરીત જોવા મળી હતી. નવકાર મહા મંત્રનો સમગ્ર કાર્યક્રમ રાજકીય નેતાઓનો બની ગયો અને જાપ કરવાનો મૂળ હેતુ જળવાયો જ નહીં તેવી ચર્ચા શ્રાવકોમાં થઈ રહી હતી.
પોસ્ટરોમાં અરિહંત પરમાત્માને બદલે નેતાઓને મોટા ચીતરાતા જૈનોમાં નારાજગી
આ કાર્યક્રમમાં હાજર લોકોમાં એવું પણ સાંભળવા મળ્યું કે, આટલો સુંદર ધાર્મિક કાર્યક્રમ નેતાઓની હાજરીને કારણે રાજકીય અખાડો બની ગયો. આટલું ઓછું હતું ત્યાં કાર્યક્રમના મોટા-મોટા પોસ્ટરોમાં પણ અરિંહત પરમાત્મા અને સાધુ-ભગવંતોના બદલે નેતાઓને મોટા ચીતરી દેવાતાં જૈનોમાં નારાજગી પ્રવર્તી હતી. જૈન ભાવકોના નવકાર મહા મંત્રના જાપ કરવાનો મૂળ હેતુ તો કોરાણે મૂકાઈ ગયો હોય તેવું દૃશ્ય સર્જાયું હતું. મહત્ત્વનું છે કે આ પ્રસંગે એક સાથે 25 હજાર જૈનો નવકાર મંત્રના જાપ કરીને એક ઐતિહાસિક રૅકોર્ડ સર્જવા ભેગા થયા હતા. આ જ કારણસર શ્વેતાંબર સંઘ, દિગંબર સંઘ, તેરાપંથી સંઘ, સ્થાનકવાસી સંઘ એમ તમામ જૈન સમુદાયના સાધુ-સંતોએ હાજરી આપી હતી.
આયોજકોએ આખો કાર્યક્રમ રાજકીય બનાવીને પોતાનો અંગત હેતુ સિદ્ધ કરી લીધો
જૈનોમાં નારાજગીના પગલે એવી પણ ચર્ચા થઈ રહી છે કે આ સમગ્ર ધાર્મિક કાર્યક્રમને રાજકીય કાર્યક્રમમાં બદલીને આયોજકોએ પોતાનો અંગત હેતુ સાધી લીધો છે. મહત્ત્વનું છે કે આ કાર્યક્રમનું રાજ્યના 6000થી વધુ દેરાસર અને ઉપાશ્રયોમાં સમગ્ર કાર્યક્રમનું જીવંત પ્રસારણ કરાયું હતું. વડાપ્રધાન મોદીએ વીડિયો કોન્ફરન્સિંગથી કરેલા ભાષણનું પણ આ તમામ સ્થળે પ્રસારણ થયું હતું.
નવકાર મંત્રના જાપનો મૂળભૂત હેતુ મોક્ષપ્રાપ્તિ
નવકાર મંત્ર એ જૈન ધર્મનો એક મહત્ત્વપૂર્ણ મંત્ર છે. નવકાર મંત્રનો નિયમિત જાપ કરવાથી મન શાંત અને સ્થિર બને છે. તે ચિંતા, તણાવ અને ઉદાસીથી રાહત અને માનસિક શાંતિ આપે છે, પાપોનો નાશ થાય છે, પુણ્ય વધે છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. એટલું જ નહીં, મંત્ર જાપથી આત્મજ્ઞાન મળે છે, લોકોની મનોકામનાઓ પૂર્ણ થાય છે તથા સાચા માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપે છે. એટલા માટે જ તો રોજિંદા જીવનમાં નવકાર મહામંત્રનું જૈન ધર્મમાં ખૂબ જ મહત્ત્વ છે, જે અન્ય ધર્મોમાં પણ ખૂબ આદર પામે છે.