નવાપુરાની શાળાના ઓરડાના ખાતમુહૂર્તમાં ગ્રામજનોની રજૂઆત
પીજ કાંસ પરના રોડનું કામ પણ ખોરંભે : વિદ્યાર્થીઓ- સગર્ભાઓને અવરજવર માટે ભારે હાલાકી
નડિયાદ: વસો તાલુકાના મિત્રાલ ગામના હાઈસ્કૂલથી ઈન્દિરાનગરી થઈ રામોલ રોડને જોડતો બાયપાસ રોડ વર્ષોથી બિસ્માર છે. મિત્રાલથી પીજ કાંસ પરના રોડનું કામ પણ ખોરંભે પડયું છે. ત્યારે આજે મિત્રાલ તાબેના નવાપુરામાં પ્રાથમિક શાળાના નવા ઓરડાના ખાતમુહૂર્ત વેળાએ ગ્રામજનોએ લેખિત રજૂઆત કરી હતી.
વસો તાલુકાના મિત્રાલ ગામમાં ઇન્દિરાનગરીમાં ૩૦૦ ઉપરાંત આવાસોમાં લોકો રહે છે. ત્યારે ઇન્દિરાનગરી તેમજ ગ્રામજનોને અવરજવર માટે પેટા આરોગ્ય કેન્દ્ર હાઈસ્કૂલ રોડથી ઝાંપલી ભાગોળ થઈ રામોલ રોડને જોડતો બાયપાસ ડામર રોડ આવેલો છે. આ રોડ છેલ્લા ઘણા વર્ષોથી બિસ્માર છે. જેથી હાઈસ્કૂલમાં જતા વિદ્યાર્થીઓ તેમજ આરોગ્ય કેન્દ્રમાં જતી સગર્ભાઓને અવરજવર કરવામાં ઘણી જ હાલાકી ભોગવવી પડે છે. જેને ધ્યાનમાં લઈ આ બાયપાસ રોડનું નવેસરથી ડામર કામ કરવા માંગણી કરવામાં આવી છે. ઉપરાંત મિત્રાલ પીજ કાંસ પરના રોડનું અમુક ખેડૂતોની આડોડાઈને કારણે કામ ખોરંભે પડેલું છે. જેથી મિત્રાલના વાહન ચાલકો રામોલ થઈ ત્રણ કિ.મી. જેટલું વધારે અંતર કાપી અવરજવર કરવા મજબૂર બન્યા છે. ત્યારે આજે મિત્રાલ તાબેના નવાપુરામાં પ્રાથમિક શાળાના ચાર નવા ઓરડાના ખાતમુહૂર્ત સમારોહમાં સ્થાનિક ધારાસભ્યને બંને બિસ્માર રોડના કામો શરૂ કરવા ગ્રામજનોએ લેખિત રજૂઆત કરી હતી. મિત્રાલના ગ્રામજનોને પડતી હાલાકી દૂર કરવા બિસ્માર રોડનું સત્વરે સમાસ કામ કરાવવા પ્રબળ લાગણી વ્યાપી છે.