મુંબઈ : ટેરિફ વોરના મંડાણ વચ્ચે માર્ચમાં જંગી નિકાસને પગલે વિતેલા નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં દેશની ફાર્મા નિકાસ ૩૦.૪૬ અબજ ડોલરની વિક્રમી સપાટીએ જોવા મળી છે. નાણાં વર્ષ ૨૦૨૩-૨૪ની સરખામણીએ ૯ ટકા ઊંચી છે. નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં નિકાસ આંક ૨૭.૮૫ અબજ ડોલર રહ્યો હતો.
માર્ચમાં ફાર્મા નિકાસ ૩૧.૨૧ ટકા વધી ૩૬૮.૧૫ કરોડ ડોલર રહી હતી. આ અગાઉ જાન્યુઆરીમાં નિકાસ ૨૧.૪૭ ટકા વધી ૨૫૯.૦૮ કરોડ ડોલર રહી હોવાનું વાણિજ્ય મંત્રાલયના ડેટા જણાવે છે.ફાર્મા નિકાસ પહેલી જ વખત ૩૦ અબજ ડોલરના આંકને પાર જોવા મળી છે.
અમેરિકા ખાતે ફાર્માની નિકાસ મૂલ્યની દ્રષ્ટિએ ગત નાણાં વર્ષમાં ૧૪.૨૯ ટકા વધી ૮.૯૫ અબજ ડોલર રહી છે.આ ઉપરાંત દેશમાંથી ફાર્માની નિકાસ મુખ્યત્વે યુકે, બ્રાઝિલ, ફ્રાન્સ તથા દક્ષિણ આફ્રિકામાં થાય છે. એપ્રિલથી ઊંચા ટેરિફ લાગુ થઈ જશે તેવી ચિંતા વચ્ચે અમેરિકાના ખરીદદારો દ્વારા મોટા ઓર્ડરો અપાવાનું શરૂ થઈ ગયું હતું.