– વક્ફ અંગેના સુપ્રીમના નિર્ણયથી નિશિકાંત દુબે ભડક્યા
– દેશમાં ગૃહયુદ્ધ ભડકાવવા માટે સુપ્રીમ કોર્ટ, મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના જ જવાબદાર : નિશિકાંત દુબે
નવી દિલ્હી : તાજેતરમાં સુપ્રીમ કોર્ટે બે મહત્વપૂર્ણ નિર્ણય લીધા હતા, જેમાં કેન્દ્ર સરકાર દ્વારા વક્ફ કાયદામાં સુધારો કરાયો તેની કેટલીક જોગવાઇઓનો અમલ હાલ પુરતા અટકાવ્યો હતો, જ્યારે અન્ય કેસમાં રાષ્ટ્રપતિ માટે બિલોને મંજૂરી માટે સમય મર્યાદા નક્કી કરી હતી. આ ચુકાદાઓથી ભડકેલા ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ કહ્યું હતું કે જો સુપ્રીમ કોર્ટે જ કાયદા ઘડવાના હોય તો પછી વિધાનસભા અને સંસદને તાળા મારી દેવા જોઇએ.
એટલુ જ નહીં ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ એવો પણ દાવો કર્યો હતો કે દેશમાં ધાર્મિક યુદ્ધોંને ભડકાવવા માટે સુપ્રીમ કોર્ટ જવાબદાર છે. વક્ફ કાયદામાં સુધારા સામે અનેક અરજીઓની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્રને કેટલીક જોગવાઇનો અમલ અટકાવવા કહ્યું હતું, આ આદેશ બાદ ભડકેલા ભાજપના સાંસદ નિશિકાંતે મીડિયા સાથે વાતચીતમાં કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટનો એક જ ઉદ્દેશ્ય છે, મને ચેહરો દેખાડો હું તમને કાયદો દેખાડીશ. સુપ્રીમ કોર્ટ પોતાની હદ વટાવી રહી છે. જો દરેક મુદ્દે સુપ્રીમ કોર્ટ જવુ પડતું હોય તો સંસદ અને રાજ્યની વિધાનસભાઓને બંધ કરી દેવી જોઇએ.
દુબેએ વધુમાં કહ્યું હતું કે ભારતના મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના આ દેશમાં થઇ રહેલા તમામ ગૃહયુદ્ધો માટે જવાબદાર છે. આ પહેલા સુપ્રીમ કોર્ટ દ્વારા સજાતીય સંબંધોને અપરાધ માનતી જોગવાઇને હટાવવામાં આવી હતી, આ નિર્ણયનો પણ ભાજપ સાંસદે ઉલ્લેખ કર્યો હતો અને સુપ્રીમ કોર્ટની ટિકા કરી હતી. ઝારખંડના ગોડ્ડાના ભાજપના સાંસદ નિશિકાંત દુબે વિપક્ષના સાંસદોને અવાર નવાર લોકસભામાં આડેહાથ લેતા હોય છે. હવે તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ સામે જ સવાલો ઉઠાવ્યા છે. આ પહેલા ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખડે પણ દાવો કર્યો હતો કે સુપ્રીમ કોર્ટ રાષ્ટ્રપતિને કોઇ આદેશ ના આપી શકે, સુપ્રીમ કોર્ટે નેશનલ જ્યુડિશિયલ અપોઇન્ટમેન્ટ્સ કમિશન એક્ટ ૨૦૧૫ને રદ કરીને પણ ખોટુ કર્યું છે. હવે ભાજપના સાંસદે પણ સુપ્રીમના નિર્ણયો સામે સવાલો ઉઠાવ્યા છે.