Uttar Pradesh News : ઉત્તર પ્રદેશના નોઈડામાં એક હોટલમાં ભયાનક વિસ્ફોટ થતા હડકંપ મચી ગયોછે. વિસ્ફોટ બાદ હોટલમાં ભીષણ આગ લાગતા લોકો જીવ બચાવવા ધાબા પર ચઢી ગયા છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ પહોંચી ગઈ છે. ટીમે તમામ લોકોને હેમખેમ બચાવવાની સાથે આગ પર પણ કાબુ મેળવી લીધો છે. મળતા અહેવાલો મુજબ પ્રાથમિક તપાસમાં એસીમાં વિસ્ફોટ થયા બાદ હોટલમાં આગ લાગી હોવાનું સામે આવ્યું છે.
હાઈડ્રોલિક વાહનથી લોકોના જીવ બચાવાયા
સીએફઓ પ્રદીપ કુમાર ચૌબેએ કહ્યું કે, અમને સેક્ટર-46ના બી બ્લોક સ્થિત સ્વાસ્તિક ઓમ હોટલમાં આગ લાગી હોવાની સૂચના મળી હતી. ત્યારબાદ ફાયર બ્રિગેડના ચાર વાહનો અને હાઈડ્રોલિક વાહનને ઘટનાસ્થળે મોકલાયા હતા. ટીમ પહોંચી ત્યારે બીજા માળે આવેલી હોટલના એક રૂમમાં આગ લાગી હતી. ભીષણ આગના કારણે લોકો જીવ બચાવવા માટે ધાબા તરફ ભાગ્યા હતા. આમાંથી મોટાભાગના કર્મચારીઓ હતા. વિભાગની એક ટીમે આગ પર કાબુ મેળવી લીધો છે, જ્યારે બીજી ટીમે જીવ બચાવવા ધાબા પર ભાગેલા તમામને બચાવી લીધા છે.
આ પણ વાંચો : દેશના સૈન્યદળોમાં સર્જાઈ છે હેલિકોપ્ટર કટોકટી, ‘ચેતક’ અને ‘ચિત્તા’ પછી હવે ‘ધ્રુવ’ની ઉડાન બંધ
એસીમાં વિસ્ફોટથી આગ લાગી
ફાયર બ્રિગેડના કર્મચારીઓએ પાણીનો મારો કરી 20 મિનિટમાં આગ પર કાબુ મેળવી લીધો છે. ફાયર બ્રિગેડના વધુ ત્રણ વાહનોને પણ ઘટનાસ્થળે હાજર રખાયા હતા. સીએફઓએ કહ્યું કે, પ્રાથમિક તપાસ મુજબ એસીમાં વિસ્ફોટ થયા બાદ આગ લાગી હતી.
આ પણ વાંચો : નેપાળમાં ફરી બબાલ, દેશને હિન્દુ રાષ્ટ્ર અને રાજાશાહી જાહેર કરવા હજારો સમર્થકો PM આવાસ પહોંચ્યા