Ramdas Athawale On Supreme Court: સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિને સલાહ અને ફરમાનનો મુદ્દો ચર્ચાસ્પદ બન્યો છે. ઉપરાષ્ટ્રપતિ ધનખડ દ્વારા સુપ્રીમ કોર્ટની ટીકા બાદ વિવિધ મંત્રીઓ અને નેતાઓ આ વિવાદમાં ઉતાર્યા છે. કેન્દ્રીય મંત્રી રામદાસ અઠાવલે જણાવ્યું હતું કે, સુપ્રીમ કોર્ટનો તમામ લોકોએ આદર કરવો જોઈએ. કોર્ટ જે પણ આદેશ આપે છે, તેનો સ્વીકાર કરવો જોઈએ. પરંતુ કોર્ટે પણ એક બાબતનું ધ્યાન રાખવું જોઈએ કે, સંસદ ‘સુપ્રીમ’ (સર્વોચ્ચ) છે. કાયદો ઘડવાનું કામ સંસદ કરે છે. કાયદા અનુસાર, ચુકાદો આપવાનું કામ કોર્ટનું છે.
સુપ્રીમ કોર્ટે સંસદનું સન્માન જાળવવું જોઈએ
અઠાવલેએ આગળ કહ્યું કે, દરેક વાત પર સંસદ દ્વારા બનાવવામાં આવેલા કાયદા પર સુપ્રીમ કોર્ટની ટિપ્પણી યોગ્ય નથી. અમે સુપ્રીમ કોર્ટનું સન્માન કરીએ છીએ અને સુપ્રીમ કોર્ટે પણ સંસદનું સન્માન જાળવવું જોઈએ. ભાજપ સાંસદ નિશિકાંત દુબેના નિવેદનથી આ વિવાદમાં રાજકારણ ગરમાયું છે. નિશિકાંત દુબેએ કહ્યું હતું કે, આ દેશમાં જેટલા પણ ગૃહ યુદ્ધ થઈ રહ્યા છે, તેના માટે જવાબદાર ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયાના સંજીવ ખન્ના છે. સાથે તેમણે સોશિયલ મીડિયા પર લખ્યું કે, જો કાયદો સુપ્રીમ કોર્ટ જ બનાવશે તો સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ.
આ પણ વાંચોઃ છત્તીસગઢમાં નક્સલીઓની ગંભીર કરતૂત, ભયાનક IED વિસ્ફોટ થતા એક જવાન શહીદ
ભાજપે દુબેની જવાબદારી લીધી નહીં
ભાજપ સાંસદના આ નિવેદનથી વિવાદ વકર્યો હતો. જેના પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ નિશિકાંત દુબેના નિવેદન માટે પક્ષ જવાબદાર ન હોવાની સ્પષ્ટતા આપી હતી. તેમજ ભાજપ સુપ્રીમ કોર્ટનું સન્માન કરતું હોવાનું નિવેદન આપ્યું હતું.
વિપક્ષે કાર્યવાહીની માગ કરી
નિશિકાંત દુબેના નિવેદન પર વિપક્ષ ભડકી ઉઠ્યું છે. ઝારખંડના મંત્રી ઈરફાન અન્સારીએ નિશિકાંત દુબે વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે. તેમણે દુબેને લોકસભામાંથી બરતરફ કરવાની માગ કરી છે. કોંગ્રેસના રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે પણ નિશિકાંત દુબે વિરુદ્ધ કાર્યવાહી કરવાની માગ કરી છે.