Gold ATM In China: સોનું એક એવી જણસ છે જે સદીઓથી ભારતીય સંસ્કૃતિનો અભિન્ન હિસ્સો બની રહ્યું છે. ‘સંકટ સમયની સાંકળ’ એવા સોનાના ઘરેણાં વેચીને ભારતીયો પ્રસંગો પાર પાડતાં હોય છે, રીતરિવાજો સાચવી લેતા હોય છે, આપદામાંથી ઉગરી જતા હોય છે. અલબત્ત, સોનાના ઘરેણાં ખરીદતો દુકાનદાર જાતભાતની કપાત કરીને ગ્રાહકને વેતરી નાંખતો હોય છે. એવામાં જો એવો કોઈ રસ્તો મળે જેમાં તમારા સોનાના ઘરેણાંના વર્તમાન બજારમૂલ્ય જેટલી જ રકમ કોઈપણ પ્રકારની કપાત વિના મળે તો? ભારતમાં તો નહીં, ચીનમાં આની શરૂઆત થઈ ચૂકી છે. પડોશી દેશે ગોલ્ડ એટીએમની શોધ કરી છે જેમાં સોનાનું ઘરેણું નાંખીને ગણતરીની મિનિટોમાં એની ‘સાચી’ કિંમત મેળવી શકાય છે. આ સગવડનો લાભ ઊઠાવવા લોકો પડાપડી કરી રહ્યા છે.
કેવી રીતે કામ કરે છે ગોલ્ડ એટીએમ?
ચીનના શાંઘાઈમાં એક ગોલ્ડ એટીએમ મુકાયું છે. સોનું વેચવા ઈચ્છુક ગ્રાહકે એની અંદર સોનાનું ઘરેણું નાંખવાનું. મશીન ઘરેણું પીગાળીને તેના સોનાની શુદ્ધતા તપાસે છે અને વજન કરે છે. એ પછી બજારમૂલ્યના આધારે એની કિંમત નક્કી કરીને એટલા નાણાં સીધા ગ્રાહકના બેંક ખાતામાં જમા કરી દે છે. છે ને મજાની સગવડ?
સોના બાબતે અમુક શરતો
આ મશીનનો લાભ લેવા માટે સોનાના ઘરેણાંનું વજન ઓછામાં ઓછું ત્રણ ગ્રામ હોવું જરૂરી છે. ઉપરાંત ઘરેણામાં રહેલા સોનાની શુદ્ધતા ઓછામાં ઓછી 50 % હોવી જોઈએ. આ બે શરતોનું પાલન થાય તો જ મશીન સોનું સ્વીકારે છે. સોનાના ઘરેણાં આપીને નગદ મેળવવાની આ સમગ્ર પ્રક્રિયામાં ફક્ત ત્રીસ મિનિટનો સમય લાગે છે. એ માટે કોઈ કાગળ કે ID ની જરૂર નથી પડતી. આ અનોખા એટીએમની સગવડ ચીનના કિંગહૂડ ગ્રુપ દ્વારા પૂરી પાડવામાં આવી છે.
ગોલ્ડ એટીએમનો લાભ લેવા ધસારો થઈ રહ્યો છે
તાજેતરમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સોનાના ભાવમાં અભૂતપૂર્વ વધારો થયો છે, જેનો લાભ લેવા માટે લોકો જૂના ઘરેણાં વેચીને રોકડ મેળવવા લાગ્યા છે. આમ કરવામાં ચીનાઓ પણ બાકાત નથી. એવામાં શાંઘાઈમાં ગોલ્ડ એટીએમ મુકાતાંની સાથે જ લોકો એનો લાભ લેવા માટે જબરો ધસારો કરી રહ્યા છે. આ એટીએમની માંગ એટલી વધી ગઈ છે કે એનો લાભ લેવા માટે હવે ગ્રાહકો સ્લોટ બુક કરાવવા લાગ્યા છે. એપ્રિલ શું, આખા મે મહિના સુધીના તમામ સ્લોટ બુક થઈ ગયા છે, જે આ મશીનની સફળતા દર્શાવે છે. શક્ય છે કે માંગને પહોંચી વળવા માટે બીજા ગોલ્ડ એટીએમ પણ મુકાય.
મશીનનો વીડિયો વાઈરલ થયો
ગોલ્ડ એટીએમની કાર્યક્ષમતા દેખાડતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. વીડિયોમાં દેખાય છે કે, એક મહિલા પોતાનું એક ઘરેણું ગોલ્ડ એટીએમમાં મૂકે છે. મશીન ઘરેણાંની તપાસ કરીને પ્રતિ ગ્રામ 782.5 યુઆન (લગભગ રૂપિયા 9,200) ને આધારે એ ઘરેણાંની રકમ ગણીને મહિલાના બેંક ખાતામાં રોકડ જમા કરી દે છે.
હર્ષ ગોએન્કાએ રસપ્રદ ટિપ્પણી કરી
RPG (રામ પ્રસાદ ગોએન્કા ગ્રુપ) એન્ટરપ્રાઈઝના ચેરમેન હર્ષ ગોએન્કાએ આ મુદ્દે X પર લખ્યું હતું કે, ‘શાંઘાઈમાં મુકાયું ગોલ્ડ એટીએમ. તમારા ઘરેણાં મૂકો, તે શુદ્ધતા તપાસે છે, તેને પીગળે છે, મૂલ્યની ગણતરી કરે છે અને તમારા ખાતામાં તરત જ ક્રેડિટ કરી દે છે.’
તેમણે વધુમાં લખ્યું હતું કે, આ ટેક્નોલોજી ભારતમાં સોનાના ધિરાણકર્તાઓ માટે ખતરો બની શકે છે. જો એ ભારતમાં આવે તો પરંપરાગત સોનાના ધિરાણકર્તાઓને નવા વ્યવસાય મોડેલની જરૂર પડી શકે છે. આ મશીનને લીધે ગ્રાહક પક્ષે પારદર્શિતા જળવાશે અને તેમનું શોષણ નાબૂદ થશે.
ભારતમાં આ મશીન પગદંડો જમાવશે
આધુનિક જમાનાના પ્રત્યેક ક્ષેત્રે અમેરિકા જેવી મહાસત્તાને પડકારી રહેલા ચીને સફળતાપૂર્વક ગોલ્ડ એટીએમ રજૂ કરીને એક ઔર મોટું તીર માર્યું છે, એમ કહી શકાય. સોનાના વેચાણને સરળ કરી આપતું આ એટીએમ ફક્ત એક ફેન્સી મશીન નથી, પણ બદલાતા સમયની નિશાની છે. આ પેપરલેસ મશીન સ્માર્ટ પણ છે અને પારદર્શક નાણાકીય વ્યવહાર પણ કરી જાણે છે, તેથી આગામી સમયમાં ભારતમાં પણ આવા મશીનોનો દબદબો જામે તો નવાઈ નહીં.