Pahalgam Terror Attack : જમ્મુ-કાશ્મીરમાં પહલગામમાં આતંકવાદીઓના ભયાનક હુમલા બાદ સુરક્ષા દળોએ મોટું ઓપરેશન શરુ કરી દીધું છે. મળતાં અહેવાલો મુજબ હુમલા બાદ ખીણમાંથી 1500થી વધુ લોકોની અટકાયત કરવામાં આવી છે. જવાનો દ્વારા ઓવર ગ્રાઉન્ડ વર્ક્સ તેમજ આતંકી પ્રવૃત્તિઓમાં સામેલ લોકોને શોધી શોધીને પકડવામાં આવી રહ્યા છે. સુરક્ષા દળના જવાનો એક પછી એક વિસ્તારો અને જંગલોમાં મોટાપાયે સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા છે. આ સાથે શંકાસ્પદ લોકોની અટકાયત પણ કરવામાં આવી રહી છે. ખીણમાં ચોતરફ બંદોબસ્તની સાથે તમામ પોઇન્ટો પર વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે.
જમ્મુ-કાશ્મીરમાં 17 સ્થાનિક આતંકવાદીઓ
સુરક્ષા દળનો રિપોર્ટ કહે છે કે, જમ્મુ-કાશ્મીરમાં 17 સ્થાનિક આતંકવાદીઓ પણ છે. ‘રાષ્ટ્રીય તપાસ એજન્સી’ (NIA – ધ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) આ મુદ્દે તપાસ હાથ ધરે તેવી શક્યતા છે.
જમ્મુ-કાશ્મીરમાં હાલ 56 જેટલા આતંકવાદીઓ સક્રિય
હુમલાખોરો પાકિસ્તાનથી જમ્મુ-કાશ્મીરમાં પ્રવેશ્યા હોવાનું કહેવાઈ રહ્યું છે. જમ્મુ-કાશ્મીરમાં હાલમાં ઓછામાં ઓછા 56 વિદેશી આતંકવાદીઓ સક્રિય હોવાનો અંદાજ છે. એમાંના 18 ‘જૈશ-એ-મોહમ્મદ’(JeM)ના, 3 હિઝબુલ મુજાહિદ્દીન (HM)ના અને 35 ‘લશ્કર-એ-તૈયબા’(LeT)ના હોવાનું કહેવાઈ રહ્યું છે. આ આંકડા સુરક્ષા દળો દ્વારા જાળવવામાં આવેલા રૅકોર્ડમાં દર્શાવાયા છે.
આ પણ વાંચો : પહલગામ હુમલા મુદ્દે સુપ્રીમ કોર્ટમાં બે મિનિટનું મૌન, વકીલો પણ આક્રોશમાં, ન્યાયાધીશોએ કહ્યું- ‘આ હિંસા રાક્ષસી કૃત્ય’
હુમલા પાછળ લશ્કર-એ-તૈયબાનો હાથ
પહેલગામના હુમલાની જવાબદારી ‘ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ’ (TRF) નામના આતંકવાદી જૂથે સ્વીકારી છે, પરંતુ સુરક્ષા દળો અને નિષ્ણાતોએ એમનો દાવો એમ કહીને ફગાવી દીધો છે કે, હુમલા પાછળ અસલી હાથ લશ્કર-એ-તૈયબાનો છે અને લશ્કર-એ-તૈયબા પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISIનું પ્યાદું છે. ટૂંકમાં, આ હુમલાનું કાવતરું પાકિસ્તાને કર્યું છે.
આતંકી હુમલામાં 28 લોકોના મોત
જમ્મુ-કાશ્મીરમાં પ્રખ્યાત પર્યટન સ્થળ પહલગામની મુલાકાતે આવેલા પ્રવાસીઓ પર આતંકવાદીઓએ ગઈકાલે મંગળવારે (22 એપ્રિલ, 2025) મોટો હુમલો કર્યો હતો. પાંચ આતંકવાદીઓ ત્યાંના રિસોર્ટમાં ઘૂસી ગયા અને એક પછી એક પ્રવાસીઓ પર ગોળીબાર શરુ કરી દીધો હતો. આતંકવાદીઓએ પ્રવાસીઓના નામ અને ધર્મ પૂછ્યા પછી તેમને ગોળી ધરબી દીધી. આતંકવાદીઓએ લગભગ 20થી 25 મિનિટ સુધી આ ખૂની ખેલ ખેલ્યો અને પછી જંગલ તરફ નાસી છૂટ્યા. આ હુમલામાં 28 લોકોના મોત થયા. પહલગામમાં થયેલા આ ભયાનક નરસંહાર બાદ લોકોમાં ભયનો માહોલ છે.
આ પણ વાંચો : પહલગામ આતંકવાદી હુમલો: ‘પડદા પાછળ જે પણ છે, બધાને જવાબ મળશે’, રાજનાથ સિંહે કર્યો મોટો ઇશારો