મુંબઈ : નાણાં વર્ષ ૨૦૨૪-૨૫માં નિયમનકારી ફેરબદલો વચ્ચે દેશની જીવન વીમા કંપનીઓના નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક વાર્ષિક ધોરણે ૫.૧૩ ટકા વધી રૂપિયા ૩.૯૭ ટ્રિલિયન રહી છે. નાણાં વર્ષ ૨૦૨૩-૨૪માં નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક બે ટકા વધી રૂપિયા ૩.૭૭ ટ્રિલિયન રહી હતી એમ લાઈફ ઈન્સ્યૂરન્સ કાઉન્સિલના ડેટા જણાવે છે.
લાઈફ ઈન્સ્યૂરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (એલઆઈસી)ની નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક વિતેલા નાણાં વર્ષમાં વાર્ષિક ધોરણે ૧.૮૬ ટકા વધી રૂપિયા ૨.૨૭ ટ્રિલિયન રહી હતી. જો કે ખાનગી ક્ષેત્રની જીવન વીમા કંપનીઓની નવા બિઝનેસ પ્રીમિયમ આવક ૯.૮૦ ટકા વધી રૂપિયા ૧.૭૧ ટ્રિલિયન રહી છે.
ધ ઈન્સ્યૂરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સરેન્ડર વેલ્યુ ધોરણોમાં સુધારો કરી તેને ૧લી ઓકટોબર, ૨૦૨૪થી અમલી બનાવ્યા છે. નવા ધોરણ પ્રમાણે, કોઈ પોલીસિધારકે જો એક વર્ષ માટે સંપૂર્ણ વર્ષનું પ્રીમિયમ ચૂકવી દીધુ હોય તો તેવા કિસ્સામાં પોલીસિનું પ્રથમ વર્ષ સમાપ્ત થવા પર જીવન વીમા કંપનીઓએ પોલીસિધારકોને ઊંચી સ્પેશ્યલ સરેન્ડર વેલ્યુ ચૂકવવાની રહે છે. આ અગાઉ પ્રથમ વર્ષના અંતે પોલીસિધારકે તેમની પોલીસિ સુપરત કરી હોય તો તેવા કિસ્સામાં વીમા કંપનીઓએ ગ્રાહકોને ચૂકવણી કરવી પડતી નહોતી.
આ નિયમનકારી ફેરબદલને કારણે, ગયા નાણાં વર્ષના પાછલા છ મહિનામાં દરેક વીમા પ્રોડકટસના નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક વૃદ્ધિ ધીમી પડી ગઈ હતી.
હાલના વ્યાજ દરના વાતાવરણ વચ્ચે ગુ્રપ સિંગલ પ્રીમિયમના કિસ્સામાં નવા બિઝનેસ પ્રીમિયમ્સ મારફત આવક વૃદ્ધિ લગભગ સ્થિર રહી હતી. આ ઉપરાંત વર્તમાન નાણાં વર્ષથી વ્યક્તિગત વેરામાં અપાયેલી રાહતને કારણે પણ જીવન વીમા પોલીસિ માટેના આકર્ષણમાં ઘટાડો જોવાઈ રહ્યો હોવાનું કાઉન્સિલના સુત્રોએ જણાવ્યું હતું.
ગત નાણાં વર્ષમાં વ્યક્તિગત પોલીસિ પેટે નવા બિઝનેસ પ્રીમિયમ મારફતની આવક ૧૧.૩૦ ટકા વધી રૂપિયા ૧.૬૭ ટ્રિલિયન રહી હતી જે ગયા વર્ષે રૂપિયા ૧.૫૦ ટ્રિલિયન રહી હતી. ગુ્રપ પ્રીમિયમ મારફતની આવક ૧.૦૭ ટકા વધી રૂપિયા ૧.૬૪ ટ્રિલિયન રહી હતી.