![]()
મુંબઈ : પશ્ચિમ એશિયામાં યુદ્ધને પરિણામે ભારતીય બજારમાં આવી ગયેલા કડાકાનો લાભ લઈ મ્યુચ્યુઅલ ફન્ડોએ નીચા ભાવે ઈક્વિટીમાં જોરદાર ખરીદી કરતા માર્ચમાં ફન્ડો પાસે કેશ હોલ્ડિંગની માત્રા ઘટી ૧૬ મહિનાની નીચી સપાટીએ પહોંચી ગઈ હતી. પ્રાપ્ત માહિતી પ્રમાણે દેશમાં કાર્યરત મ્યુચ્યુઅલ ફન્ડોમાંથી ૬૦ ટકાએ ઈક્વિટીમાં કરેકશન વખતે કેશમાં આક્રમક ખરીદી કરી હતી. જ્યારે બાકીના ૪૦ ટકા ફન્ડોએ પોતાનું કેશ હોલ્ડિંગ વધાર્યું હતું અથવા તો તે જાળવી રાખ્યું હતું.
ફેબુ્રઆરીના અંતે ફન્ડો પાસે કેશ હોલ્ડિંગ જે રૂપિયા ૨.૧૦ લાખ કરોડ રહ્યું હતું તે માર્ચમાં ઘટી રૂપિયા ૧.૮૬ લાખ કરોડ પર આવી ગયુ હતું. માર્ચના અંતનું કેશ હોલ્ડિંગ ડીસેમ્બર, ૨૦૨૪ બાદ સૌથી નીચુ છે, એમ પ્રાપ્ત ડેટામાં જણાવાયું હતું.
ફેબુ્રઆરીમાં કેશ ઓન હેન્ડ જે એસેટ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ)ના ૪.૮૬ ટકા હતુ તે માર્ચમાં ઘટી ૪.૭૩ ટકા સાથે ચાર મહિનાની નીચી સપાટીએ રહ્યું હતું.
ગયા વર્ષના માર્ચમાં કેશ ઓન હેન્ડની માત્રા એયુએમના ૫.૭૬ ટકા રહી હતી.
ક્રુડ તેલના ઊંચા ભાવ તથા ભૌગોલિકરાજકીય અશાંતિ વચ્ચે ગયા મહિને ભારતીય ઈક્વિટીસમાં મોટી વધઘટ જોવા મળી હતી.
ગયા મહિનાના કરેકશન વેળાએ ૫૦ ટકાથી વધુ સ્ટોકસમાં ૫૨ સપ્તાહની નીચી સપાટી જોવા મળી હતી. બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ સેન્સેકસ તથા નિફટી૫૦ બન્ને ૧૧ ટકા જેટલા તૂટી ગયા હતા.
કરેકશનના કાળને ફન્ડ હાઉસો ખરીદીની તક તરીકે ઝડપી લેતા હોય છે.
યુદ્ધને પરિણામે ક્રુડ તેલના ભાવમાં આવેલા ઉછાળાની ભારતના આર્થિક વિકાસ પર અસર પડવાની શકયતાને ધ્યાનમાં રાખી વૈશ્વિક ફન્ડોએ વર્તમાન વર્ષના માર્ચ ત્રિમાસિકમાં ભારતીય ઈક્વિટીસમાં ૧૮.૮૪ અબજ ડોલરનું વેચાણ કર્યું છે.
મ્યુચ્યુઅલ ફન્ડસ તથા નાણાં સંસ્થાઓએ મળીને વર્તમાન વર્ષમાં અત્યારસુધી ૩૧ અબજ ડોલરની ઠાલવણી કરી હોવાનું પ્રાપ્ત ડેટામાં અગાઉ જણાવાયું હતું.










