India-Pakistan Tension : પાકિસ્તાની નાગરિકે કાશ્મીરમાં મતદાન કર્યું હોવાની વાતનો એક વીડિયો વાયરલ થયા બાદ હડકંપ મચી ગયો છે. આ બાબત ધ્યાને આવ્યા બાદ ચૂંટણી ભારતીય ચૂંટણી પંચે તાત્કાલીક કાર્યવાહી કરવાનો આદેશ આપી દીધો છે. વાસ્તવમાં બુધવારે વાયરલ થયેલા વીડિયોમાં એક વ્યક્તિ નામે ઓસામા હોવાનું કહેવાઈ રહ્યું છે. તેણે દાવો કર્યો છે કે, તે 2008થી ભારતમાં રહે છે, તેની પાસે આધાર કાર્ડ, ઓળખ કાર્ડ છે અને તેણે ભારતીય ચૂંટણીમાં મતદાન પણ કર્યું છે, જ્યારે તેની પાસે પાકિસ્તાની પાસપોર્ટ પણ છે.
ચૂંટણી પંચે તપાસના આપ્યા આદેશ
વીડિયો સામે આવ્યા બાદ ચૂંટણી પંચે જમ્મુ-કાશ્મીરના મુખ્ય ચૂંટણી અધિકારીને તપાસ કરવા તેમજ જરૂરી કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે. સંબંધિત ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસરને કારણ દર્શન નોટિસ જારી કરવાની પણ ભલામણ કરાઈ છે. બારામુલા જિલ્લાના ચૂંટણી અધિકારીએ ઓસામાના દાવાને ધ્યાને લીધો છે. વીડિયોમાં કથિત જોવા મળી રહ્યું છે કે, ‘ભારતનો નાગરિક ન હોવા છતાં એક વ્યક્તિનું નામ 09-ઉરી વિધાનસભા વિસ્તારની મતદાર યાદીમાં નોંધાયેલું છે. ડીઈઓએ સંબંધીત ઈલેક્ટોરલ રજિસ્ટ્રેશન ઓફિસરને યોગ્ય કાર્યવાહી કરવાના નિર્દેશ આપ્યા છે, વિસ્તૃત તપાસ પણ શરૂ કરી દેવાઈ છે અને એફઆઈઆર નોંધવા કહેવાયું છે.
વીડિયોમાં યુવક શું કહી રહ્યો છે?
અટારી બોર્ડર થઈને પાકિસ્તાન પરત ફરતો પાકિસ્તાની નાગરિક ઓસામા કહે છે કે, ‘હું હાલ મારી સ્નાતકની ડિગ્રી મેળવી રહ્યો છું. મારી પરીક્ષાઓ પછી હું નોકરીના ઈન્ટરવ્યુમાં બેસવા માંગતો હતો. હું છેલ્લા 17 વર્ષથી અહીં રહું છું. હું સરકારને અપીલ કરું છું કે અમને થોડો સમય આપે. મેં અહીં મારો મત આપ્યો છે, મારી પાસે મારું રેશન કાર્ડ છે, ત્યાં (પહલગામ) જે કંઈ થયું તે ખોટું છે. હું આ ઘટનાની નિંદા કરું છું. તે ખૂબ જ શરમજનક કૃત્ય છે. મેં અહીં મારું ધોરણ-10મું અને 12મું પૂર્ણ કર્યું છે, હું ત્યાં શું કરીશ? ત્યાં મારું ભવિષ્ય શું છે?’
માત્ર ભારતીય નાગરિકો જ મતદાન માટે રજિસ્ટ્રેશન કરાવી શકે
લોક પ્રતિનિધિત્વ અધિનિયમ-1950ના નિયમ મુજબ, માત્ર ભારતીય નાગરિકો જ મતદાન માટે રજિસ્ટર કરાવી શકે છે. ચૂંટણી પંચે સ્પષ્ટ કહ્યું છે કે, જો ઓસામાનો દાવો સત્ય હશે તો તેના વિરુદ્ધ FIR નોંધવામાં આવશે. ફોર્મ-6 (નવા મતદારોનું રજીસ્ટ્રેશન કરવા માટે ઉપયોગમાં લેવાયું ફોર્મ) હેઠળ અરજદારે પોતાની ભારતીય નાગરિકતા સ્પષ્ટ રીતે જાહેર કરવાની હોય છે. ખોટી માહિતી દંડનીય ગુનો છે.
આ પણ વાંચો : ‘ચાર ધામ યાત્રા’નું અથથી ઈતિ. જાણી લો, યાત્રાની તારીખોથી નોંધણીની પ્રક્રિયા સુધીની તમામ વિગત
પહલગામ હુમલા બાદ થયો ખુલાસો
પહલગામમાં આતંકી હુમલો (Pahalgam Terror Attack) થયા બાદ આ મામલો સામે આવ્યા છે. 22 એપ્રિલે આતંકીઓએ આડેધડ ફાયરિંગ કરી 26 પ્રવાસીઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ત્યારબાદ ભારતે વળતો જવાબ આપી પાકિસ્તાની નાગરિકોના વિઝા રદ કરી દીધા અને સિંધુ જળ સંધિ સહિત અને દ્વિપક્ષીય કરારો સસ્પેન્ડ કરી દીધા છે. તો પાકિસ્તાને ભારત માટે તેનું એર સ્પેસ બંધ કરી દીધું છે. આ ઉપરાંત તેણે શિમલા કરાર પણ તોડવાની ધમકી આપી છે.
આ પણ વાંચો : પહલગામ હુમલામાં મૃત્યુ પામેલા શુભમના ઘરે પહોંચ્યા રાહુલ ગાંધી, કહ્યું- ‘શહીદનો દરજ્જો અપાવીશું’