મુંબઈ : સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ ઈક્વિટી કેશ માર્કેટમાં ક્વોલિફાઈડ સ્ટોક બ્રોકર્સ (ક્યુએસબીઝ) માટે વૈકલ્પિક ટી પ્લસ શૂન્ય (ટ્રેડિંગના દિવસે જ) સેટલમેન્ટને અમલી બનાવવાની મુદ્દત લંબાવીને ૧લી, નવેમ્બર ૨૦૨૫ કરી છે.
એક સર્કયુલર થકી સેબીએ જણાવ્યું છે કે, ક્યુએસબીઝ પાસેથી મળેલા પ્રતિભાવ અને એના આધાર પર શેર બજારો, ક્લિયરીંગ કોર્પોરેશનો અને ડિપોઝિટરીઝ તેમ જ ક્યુએસબીઝ સાથે ચર્ચા બાદ આ નિર્ણય લેવાયો છે. અમલીકરણની પ્રક્રિયા સરળ બની રહે એની ખાતરીના ઉદ્દેશથી આ મુદ્દત લંબાવાઈ છે.
વૈકલ્પિક ટી પ્લસ શૂન્ય સેટલમેન્ટ સાઈકલમાં રોકાણકારો સહભાગી થઈ શકે એ માટે જરૂરી સિસ્ટમો અને પ્રક્રિયાથી સજ્જ કરવા ક્યુએસબીઝ માટે મુદ્દત ૧લી, મે નક્કી કરાઈ હતી. ૧૦ જેટલા ક્વોલિફાઈડ સ્ટોક બ્રોકરોએ ટ્રેડિંગના દિવસે જ સેટલમેન્ટ ઓફર કરવાની ૧લી, મેની મુદ્દત લંબાવવા સેબીને અરજ કરી હતી. અત્યારે જૂજ બ્રોકરો તેના ગ્રાહકોને આ વિકલ્પ ઓફર કરે છે, કેમ કે ઘણા બ્રોકરો તેમનું રિસ્ક મેનેજમેન્ટ અને ઓર્ડર મેનેજમેન્ટ સિસ્ટમ્સ સમાન દિવસે સેટલમેન્ટ માટે એટલા મોટા પ્રમાણને હેન્ડલ કરી શકે એમ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, તમામ લિસ્ટેડ શેરો-સ્ક્રિપ માટે ૨૭, જાન્યુઆરી ૨૦૨૩થી ટી પ્લસ વન સેટલમેન્ટ સાઈકલ અમલી બનાવનાર ભારત પ્રથમ દેશ છે. એક વર્ષ બાદ ૨૮, માર્ચ ૨૦૨૪ના સેબીએ વૈકલ્પિક ટી પ્લસ શૂન્ય સેટલમેન્ટ દાખલ કર્યું હતું. શરૂઆતમાં ૨૫ સ્ક્રિપ પૂરતું આ ટી પ્લસ શૂન્ય સેટલમેન્ટ દાખલ કરવામાં આવ્યું હતું. સેબીએ ૧૦, ડિસેમ્બરના સેબીએ જાહેર કર્યું હતું કે, ૩૧, જાન્યુઆરી ૨૦૨૫થી ટોચના ૫૦૦ શેરો માટે વૈકલ્પિક ટી પ્લસ શૂન્ય સેટલમેન્ટ લાગુ કરવામાં આવશે.
જ્યારે બોટમની ૧૦૦ કંપનીઓના શેરોથી એની શરૂઆત કરીને ધીમે ધીમે એ પછીના ૧૦૦ શેરો દર મહિને આ વૈકલ્પિક ટી પ્લસ શૂન્ય સેટલમેન્ટ માટે દાખલ કરવાનું અને ટોચની ૫૦૦ કંપનીઓ સુધી આ પ્રકારે ટ્રેડીંગ ઉપલબ્ધ કરવાનું નક્કી કરાયું હતું.
અત્યારે રોકાણકારો ૫૬૦૦થી વધુ કંપનીઓના શેરોમાં ટ્રેડિંગ કરી શકે છે. સેબીએ સ્પષ્ટતા કરેલી છે કે, ક્યુએસબીઝના માપદંડમાં જે એકમો-બ્રોકરો ન્યુનતમ સક્રિય ગ્રાહકો અને અન્ય માપદંડોમાં આવે છે એમણે ટી પ્લસ શૂન્ય વૈકલ્પિક સેટલમેન્ટમાં રોકાણકારો સરળતાથી ભાગ લઈ શકે એ માટે જરૂરી સિસ્ટમ પ્રક્રિયા અમલી બનાવવી ફરજિયાત છે.
આઉપરાંત સેબીએ શેર બજારોને આદેશ આપ્યો છે કે, નવી બ્લોક ડિલ વિન્ડો ખાસ સવારે ૮:૪૫થી ૯:૦૦નું સવારનું સત્ર યોજવામાં આવે અને વર્તમાન વિન્ડો ૮:૪૫થી ૯:૦૦ સવારે અને બપોરે ૨:૦૫થી ૨:૨૦ બપોરે ટી પ્લસ વન સેટલમેન્ટો રહેશે. વૈકલ્પિક ટી પ્લસ શૂન્ય બ્લોક વિન્ડો સત્રમાં સોદાનું સેટલમેન્ટ ટી પ્લસ શૂન્ય સેટલમેન્ટ સાઈકલ મુજબ થશે એવી સેબીએ સ્પષ્ટતા કરી છે.