Gold Sales: સોનાના વિક્રમી ઊંચા ભાવની સાથે હંમેશા ભારતમાં જૂના ઘરેણા વેચી રોકડ ઉભી કરવાના પ્રયત્નો જોવા મળે છે. પરંતુ તાજેતરના આંકડાઓ દર્શાવે છે કે ભારતીય ગ્રાહકો વધારે શાણપણ દર્શાવી ઊંચા ભાવે સોના ગિરવે મૂકી ધિરાણ મેળવે છે. પરંતુ જૂના દાગીના વેચી રહ્યા નથી.
સોનું વેચવાનું પ્રમાણ ઘટ્યું
જાન્યુઆરીથી માર્ચ 2025ના કવાર્ટરમાં ભારતમાં ઘરેણાની માંગ 25 ટકા ઘટીને માત્ર 71 ટન રહી હતી. જે છેલ્લા ચાર વર્ષમાં સૌથી ઓછી રહી હતી. સોનાના ઊંચા ભાવના કારણે દર વખતે જૂનું સોનું વેચવાનું પ્રમાણ વધે છે, પરંતુ આ ત્રણ મહિનામાં સોનું વેચવાનું પ્રમાણ ઘટેલું જોવા મળ્યું હતું.
સોના સામે સરળતાથી લોન મળી રહે છે
વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ અનુસાર, જાન્યુઆરીથી માર્ચ વચ્ચે ભારતીયોએ 26 ટન જૂનું સોનું વેચ્યું હતું. જે 2024માં આ કવાર્ટરમાં 38.3 ટન હતું. એટલે કે 32 ટકા જેટલો ઘટાડો જોવા મળ્યો છે. ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ અનુસાર સોનાના ઊંચા ભાવે વેચાણનું પ્રમાણ દર્શાવે છે કે અગાઉના સમયમાં આર્થિક મંદી કે નાણા ભીંસના કારણે લોકો તરત જ વેચાણ કરતા હતા. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે શરુ કરેલાટ્રેડ વોરના કારણે અમેરિકા અને વિશ્વના અન્ય કેટલાક દેશોમાં મંદી કે અર્થતંત્ર નરમ પડે એવી શક્યતા છે. પરંતુ ભારતમાં ઘટી રહેલી મોંઘવારી, ઘટી રહેલા વ્યાજના દર વચ્ચે આર્થિક ભીંસ પ્રમાણમાં ઓછી જોવા મળે છે. જો કે, કાઉન્સિલ નોંધે છે કે સોના સામે સરળતાથી લોન મળી રહી હોવાથી લોકો એ વિકલ્પ પણ પસંદ કરી રહ્યા છે.
આ પણ વાંચો: કુપોષિત ગુજરાત: 37% બાળકો અવિકસિત, 20%નું વજન ઓછું અને તોય પોષણ પખવાડિયાની ઉજવણી
કાઉન્સિલના આંકડા અનુસારસના સોના સામે બેન્કોએ આપેલું ધિરાણ ફેબ્રુઆરીમાં 87 ટકા વધી ગયું છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના આંકડા અનુસાર, 21મી ફેબ્રુઆરી 2025ના રોજ ઘરેણા-સોના સામે કુલ બાકી લોન 1,91,198 કરોડ રૂપિયા છે, જે ફેબ્રુઆરી 2024માં 1,02,008 કરોડ રૂપિયા હતી. કેલેન્ડર વર્ષ 2024 દરમિયાન ભારતીયોએ સોનાના સતત વધી રહેલા ભાવ વચ્ચે પોતાના હાથ ઉપર રહેલું 114.3 ટન સોનું વેચ્યું હોવાનું ગોલ્ડ કાઉન્સિલના આંકડા દર્શાવે છે. આ સમયમાં સોના સામે ધિરાણ 71,858 કરોડ વધી ડિસેમ્બર 2024ના અંતે 1,72,581 કરોડ જોવા મળ્યું છે.