![]()
મુંબઈ : ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોમાં એપ્રિલ મહિનામાં રોકાણ પ્રવાહ પાંચ ટકા ઘટીને રૂ.૩૮,૪૪૦ કરોડ રહ્યો છે. જે માર્ચમાં રૂ.૪૦,૪૫૦ કરોડ રહ્યો હતો. એસોસીયેશન ઓફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઈન ઈન્ડિયા (એમ્ફી) દ્વારા જારી કરાયેલા માસિક આંકડા મુજબ આ ઘટાડો નોંધાયો છે. આ ધીમા ઘટાડા છતાં ઈક્વિટી સ્કિમોમાં રોકાણકારોની મજબૂત હિસ્સેદારી રહી છે. આ રોકાણ પ્રવાહ ફેબુ્રઆરી અને જાન્યુઆરીની તુલનાએ વધુ રહ્યો છે.
ઈક્વિટી મ્યુચ્યુઅલ ફંડોની એસેટ્સ અન્ડર મેનેજમેન્ટ (એયુએમ) વહીવટ હેઠળની એસેટ્સ માર્ચના રૂ.૩૧.૯૮ લાખ કરોડની તુલનાએ એપ્રિલ ૨૦૨૬માં વધીને રૂ.૩૫.૭૪ લાખ કરોડ રહી છે. ડેટ મ્યુચ્યુઅલ ફંડોની એયુએમ રૂ.૧૬.૫૨ લાખ કરોડની સરખામણીએ વધીને રૂ.૧૯.૧૪ લાખ કરોડ થઈ છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગમાં એક્ત્રિત ધોરણે એપ્રિલ ૨૦૨૬ મહિનામાં રૂ.૩.૨૨ લાખ કરોડનું ચોખ્ખું રોકાણ નોંધાયું છે. જે માર્ચ ૨૦૨૬ના રૂ.૨.૪૦ લાખ કરોડની ચોખ્ખી જાવકની તુલનાએ રિવર્સ પોઝિટીવ ટ્રેન્ડ જોવાયો છે. આ રિકવરી મોટાભાગે ડેટ સ્કિમો અને નવા નાણા વર્ષની શરૂઆતે આ કેટેગરીરીમાં રોકાણમાં વૃદ્વિ થકી જોવાઈ છે.
ડેટ મ્યુચ્યુઅલ ફંડોમાં એપ્રિલમાં રૂ.૨.૪૭ લાખ કરોડ નેટ રોકાણ નોંધાયું છે. જે માર્ચ માં રૂ.૨.૯૫ લાખ કરોડની ચોખ્ખી જાવક રહી હતી. ત્રિમાસિકના અંતે ટ્રેઝરી એડજ્સટમેન્ટ અને પાછલા મહિનામાં ડેટ ફંડોમાં સંસ્થાકીય રિડમ્પશનના કારણે જાવક જોવાઈ હતી. અન્ય કેટેગરીઝમાં હાઈબ્રિડ સ્કિમોમાં એપ્રિલમાં રૂ.૨૦,૫૬૫ કરોડનો ચોખ્ખો રોકાણ પ્રવાહ નોંધાયો છે, જે માર્ચમાં રૂ.૧૬,૫૩૮ કરોડની જાવક રહી હતી. અન્ય સ્કિમોમાં ઈટીએફ સહિત એપ્રિલમાં રૂ.૨૦,૦૮૨ કરોડનો ચોખ્ખો રોકાણ પ્રવાહ નોંધાયો છે, જે માર્ચના રૂ.૩૦,૭૬૮ કરોડની તુલનાએ નીચો રહ્યો છે.
સોલ્યુશન લક્ષી સ્કિમોમાં રિટાર્યમેન્ટ અને ચિલ્ડ્રન ફંડોમાં રૂ.૩૦૭ કરોડ જેટલો ચોખ્ખો રોકાણ પ્રવાહ રહ્યો છે. જે માર્ચમાં રૂ.૨૫૬ કરોડ રહ્યો હતો. ગોલ્ડ એક્સચેન્જ ટ્રેડેડ ફંડો (ઈટીએફ)માં એપ્રિલમાં રૂ.૩૦૪૦ કરોડનું ચોખ્ખું રોકાણ નોંધાયું છે, જે માર્ચમાં રૂ.૨૨૬૬ કરોડ રહ્યું હતું. ફ્લેક્સી કેપ ફંડોમાં એપ્રિલમાં રૂ.૧૦,૧૪૮ કરોડનું ચોખ્ખું રોકાણ રહ્યું છે, જે માર્ચમાં રૂ.૧૦,૦૫૪ કરોડ રહ્યું હતું. સ્મોલ કેપ ફંડોમાં રોકાણ માર્ચના રૂ.૬૨૬૪ કરોડની તુલનાએ એપ્રિલમાં રૂ.૬૮૮૬ કરોડનું રહ્યું છે. મિડ કેપ ફંડોમાં વધીને રૂ.૬૫૫૧ કરોડ રહ્યું છે. લાર્જ કેપ ફંડોમાં રોકાણ રૂ.૫૩૦૭ કરોડની તુલનાએ ઘટીને રૂ.૪૪૯૦ કરોડ રહ્યું છે. સેક્ટરલ અને થીમેટિક ફંડોમાં રોકાણ રૂ.૨૬૯ કરોડની તુલનાએ ઘટીને રૂ.૧૯૪૯ કરોડ રહ્યું છે.
આ દરમિયાન સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન (એસઆઈપી) રોકાણ એપ્રિલમાં ઘટીને રૂ.૩૧,૧૧૫ કરોડ રહ્યું છે. જે માર્ચમાં રૂ.૩૨,૦૮૭ કરોડ રહ્યું હતું.
એસઆઈપી એસેટ્સ માર્ચના રૂ.૧૫.૧૧ લાખ કરોડની તુલનાએ એપ્રિલ ૨૦૨૬માં વધીને રૂ.૧૬.૮૫ લાખ કરોડ રહી છે. મ્યુચ્યુઅલ ફંડ ઉદ્યોગની કુલ એયુએમમાં એસઆઈપીની હિસ્સેદારી ૨૦.૬ ટકા રહી છે.










