![]()
મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવમાં ઘટાડો જ્યારે ચાંદીના ભાવમાં આગેકૂચ દેખાઈ હતી. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઘટી ઔંસના ૪૭૦૦ ડોલરની અંદર જતા રહ્યા હતા. ઈરાન તથા અમેરિકા વચ્ચે ફરી યુદ્ધનીલ આશંકા વધતાં તથા વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ વધતાં વૈશ્વિક સોનામાં ઉછાળે ફંડોનું સેલીંગ વધ્યાના વાવડ હતા. દરમિયાન, વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ વધી બેરલના ઉંચામાં ૧૦૬ ડોલર નજીક પહોંચ્યા હતા.
કિંમતી ધાતુઓમાં વિશ્વ બજારમાં બેતરફી ઉછળકુદ તથા ઘરઆંગણે કરન્સી બજારમાં ડોલર સામે રૂપિયો ગબડતાં તેની મિશ્ર અસર ઘરઆંગણાના ઝવેરી બજારોમાં આજે જોવા મળી હતી. દરમિયાન, મુંબઈ બુલિયન બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૫૦ ઘટયા હતા. જ્યારે ચાંદીના ભાવ કિલોદીઠ રૂ.૧૪૦૦ વધ્યા હતા.
વિશ્વ બજારમાં ભાવ રૂ.૪૭૧૫થી ૪૭૧૬ ડોલર વાળા ઘટી ૪૬૪૮ થઈ ૪૬૯૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક ચાંદીના ભાવ ઔંસના ૮૦.૩૪ વાળા નીચામાં ૭૯.૦૯ થયા પછી ઉંચામાં ભાવ ૮૩.૧૮ થઈ ૮૩.૧૧થી ૮૩.૧૨ ડોલર રહ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવ રૂ.૨૦૦૦ વધી રૂ.૨૫૨૦૦૦ રહ્યા હતા. અમદાવાદ સોનાના ભાવ ૯૯૫ના રૂ.૧૫૫૫૦૦ રહ્યા હતા.
મુંબઈ બુલિયન બજારમાં સોનાના ભાવ જીએસટી વગર ઘટી ૯૯૫ના રૂ.૧૪૯૭૬૦ તથા ૯૯૯ના રૂ.૧૫૦૩૬૨ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ વધી જીએસટી વગર રૂ.૨૫૬૪૦૦ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ વધી ૧૦૬ ડોલર નજીક પહોંચી ૧૦૩.૬૩ ડોલર રહ્યા હતા. દરમિયાન, વિશ્વ બજારમાં યુએસ ક્રૂડના ભાવ વધી ૧૦૦.૩૭ થઈ ૯૭.૯૨ ડોલર રહ્યા હતા.
વૈશ્વિક પ્લેટીનમના ભાવ ઔંસના ૨૦૫૯ વાળા નીચામાં ૨૦૨૩ તથા ઉંચામાં ૨૦૭૭ થઈ ૨૦૭૪થી ૨૦૭૫ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૪૯૦ વાળા ૧૪૬૨ તથા ૧૫૦૪ ડોલર વચ્ચે અથડાઈ ૧૪૯૮થી ૧૪૯૯ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૧.૪૭ ટકા વધ્યા હતા. મુંબઈ બુલિયન બજારમાં આજે પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામના રૂ.૬૫૯૫૭ વાળા રૂ.૬૫૮૦૬ થઈ રૂ.૬૮૩૦૮ રહ્યા હતા.










