![]()
મુંબઈ : મુંબઈ ઝવેરીબજારમાં આજે સોનાના ભાવમાં તેજી ધીમી ગતીએ આગળ વધી હતી જ્યારે ચાંદીના ભાવ ઉંચા મથાળેથી ધીમા ઘટાડા પર રહ્યા હતા. વિશ્વબજારના સમાચાર કિંમતી ધાતુઓમાં બેતરફી ઉછળકુદ વચ્ચે એકંદરે મજબુતાઈ બતાવતા હતા. દરમિયાન, વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં ઉંચા મથાળેથી ઘટાડો જોવા મળ્યો હતો.
ભારતમાં સોના- ચાંદી તથા પ્લેટીમની ઈમ્પોર્ટ ડયુટી વધ્યા પછી દેશના ઝવેરીબજારોમાં બુધવારે ભાવમાં તીવ્ર ઉછાળો આવ્યા પછી ગુરુવારે બજારમાં ઉછાળો પચાવાઈ રહ્યો હોય એવી સ્થિતિ જોવા મળી હતી. મુંબઈ સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦ વધ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ ઘટયા હતા. દરમિયાન, દેશમાં ઈમ્પોર્ટ ડયુટી વધ્યા પછી સોના- ચાંદીની ઈમ્પોર્ટ કોસ્ટ વધી ગઈ છે તથા ઈમ્પોર્ટ કોસ્ટની સરખામણીએ ઘરઆંગણનાના ઝવેરીબજારોમાં ભાવ હજી નીચા રહેતાં ઝવેરીબજારોમાં ડિસ્કાઉન્ટ વધ્યાની ચર્ચા જાણકારોમાં સંભળાઈ હતી.
સોનામાં આવા ડિસ્કાઉન્ટ ઔંશદીઠ આશરે ૨૦૦ ડોલર જોવા મળ્યા છે તથા રૂપિયાના સંદર્ભમાં આવા ડિસ્કાઉન્ટ ૧૦ ગ્રામદીઠ રૂ.૬૦૦૦ જેટલા રહ્યા છે. ગુરુવારે મોડી સાંજ આવા ડિસ્કાઉન્ટ ૧૪૫થી ૧૫૦ ડોલર તથા ૧૦ ગ્રામના રૂ.૪૪૦૦૦થી ૪૫૦૦ બોલાઈ રહ્યા હતા. ચાંદીમાં આવા ડિસ્કાઉન્ટ ઔંશના છ ડોલર થઈ ૪.૫૦થી ૪.૬૦ ડોલર રહ્યા હતા જ્યારે રૂપિયામાં આવા ચાંદીના ડિસ્કાઉન્ટ કિલોના આશરે રૂ.૫૪૦૦થી ૫૫૦૦ રહ્યા હતા.
દરમિયાન, વિશ્વબજારમાં આજે સોનાના ભાવ ઔંશના નીચામાં ૪૬૬૮ તથા ઉંચામાં ૪૭૧૮ ડોલર થઈ ૪૭૦૫થી ૪૭૦૬ ડોલર રહ્યા હતા જ્યારે વૈશ્વિક ચાંદીના ભાવ ઔંશના ઉંચામાં ૮૮.૪૩ તથા નીચામાં ૮૬.૨૯ થઈ ૮૬.૫૦થી ૮૬.૫૧ ડોલર રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂ.૧૬૦૫૧૪ તથા ૯૯૯ના રૂ.૧૬૧૧૫૯ રહ્યા હતા જ્યારે મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૨૮૭૧૯૩ રહ્યા હતા. અમદાવાદ બજારોમાં ચાંદીના ભાવ વધુ રૂ.૫૦૦૦ વધી રૂ.૨ લાખ ૮૦ હજાર તથા સોનાના ભાવ વધુ રૂ.૧૦૦૦ વધી ૯૯૫ના રૂ.૧૬૫૭૦૦ તથા ૯૯૯ના રૂ.૧૬૬૦૦૦ રહ્યા હતા. વિશ્વબજારમાં ક્રૂડતેલ બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ બેરલના જે ઉંચામાં ૧૦૮.૨૮ થયા હતા તે આજે નીચામાંં ૧૦૩.૮૮ થઈ ૧૦૪.૫૪ ડોલર રહ્યા હતા જ્યારે યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૯૯.૩૯ થઈ ૧૦૦.૧૧ ડોલર રહ્યા હતા.
જોકે અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક આશરે ૪૩ લાખ બેરલ્સ ઘટયાના વાવડ હતા. દરમિયાન, વિશ્વબજારમાં પ્લેટીનમના ભાવ ૨૦૯૮ ડોલર રહ્યા હતા. મુંબઈ બજારમાં પ્લેટીનમના ભાવ ૧૦ ગ્રામદીઠ રૂ.૭૫૪૧૪ રહ્યા હતા. વૈશ્વિક પેલેડીયમના ભાવ ૧૪૬૨ ડોલર રહ્યા હતા. કોપરના ભાવ ૦.૮૯ ટકા ઘટયા હતા. એલ્યુમિનિયના ભાવ ઉંચામાં વધી ૪ વર્ષની ટોચે પહોંચ્યા હતા.










