મુંબઈ : ૧૯૪૭માં એકસાથે આઝાદ થયેલા ભારત તથા પાકિસ્તાન વચ્ચે આજે અનેક બાબતોમાં વિરોધાભાષ જોવા મળી રહ્યા જેમાંનો એક વિરોધાભાષ ફોરેકસ રિઝર્વ સંદર્ભમાં જોવા મળી રહ્યો છે.
ભારત પાસે રહેલા ફોરેકસ રિઝર્વની સરખામણીએ પાકિસ્તાનના ફોરેકસ રિઝર્વનો આંક બે ટકાથી સહેજ વધુ હોવાનું પ્રાપ્ત ડેટા પરથી જણાય છે. વર્તમાન વર્ષના એપ્રિલના અંત સુધીમાં ભારતના ફોરેકસ રિઝર્વનો આંક ૬૮૮ અબજ ડોલર રહ્યો છે જ્યારે પાકિસ્તાન પાસે વર્તમાન વર્ષના માર્ચના અંતે ૧૫.૫૭ અબજ ડોલર જેટલુ ફોરેકસ રિઝર્વ જોવા મળ્યું હતું.
૧૯૪ દેશોની યાદીમાં ફોરેકસ રિઝર્વની દ્રષ્ટિએ ભારત ચોથા સ્થાને છે જ્યારે પાકિસ્તાનનું સ્થાન ૬૮મું હોવાનું ડેટામાં જણાવાયું છે.
પાકિસ્તાન સાથે ભારતે વેપાર સંબંધો હવે કાપી નાખતા ફોરેકસ રિઝર્વના દ્રષ્ટિકોણથી પાકિસ્તાનની સ્થિતિ વધુ વણસી જવાની શકયતા જોવાઈ રહી છે.
૧૯૯૧માં ભારતે અપનાવેલી ઉદારીકરણ નીતિ બાદ તેના ફોરેકસ રિઝર્વમાં વધારો જોવા મળી રહ્યો છે. ૧૯૯૧માં ભારત પાસે માત્ર બે અબજ ડોલરનું રિઝર્વ હતું જેને કારણે બેલેન્સ ઓફ પેમેન્ટની કટોકટી ઊભી થઈ હતી.
ઉદારીકરણ નીતિ ઉપરાંત ભારતની વિવિધ સરકારો દ્વારા હાથ ધરાયેલા આર્થિક સુધારા પણ રિઝર્વમાં વધારા માટે કારણભૂત રહ્યા છે.
બન્ને દેશોના ચલણની વાત કરીએ તો ભારતના રૂપિયા સામે ડોલરનો ભાવ રૂપિયા ૮૪.૬૦ છે જ્યારે પાકિસ્તાને એક ડોલર ખરીદવા માટે પાકિસ્તાનના રૂપિયા ૨૮૧ ચૂકવવા પડે છે. આમ ડોલર સામે ભારતનું ચલણ પાકિસ્તાનની સરખામણીએ મજબૂત જોવા મળી રહ્યું છે.
ભારત દ્વારા પાકિસ્તાન સાથે વેપાર સંબંધો કાપી નાખવાના નિર્ણય ઉપરાંત એરસ્પેસ બંધ કરી દેવાને કારણે પાકિસ્તાન પર આર્થિક બોજ વધી જવાનું જોખમ ઊભું થયું છે. પાકિસ્તાન ખાતેથી ભારતની પાંચ લાખ ડોલરની આયાત બંધ થઈ જશે.