Waqf Amendment Act Case : સુપ્રીમ કોર્ટે વક્ફ સંશોધન એક્ટ મામલે દાખલ કરાયેલી અરજીઓની સુનવાણી આજે (5 મે) ટાળી દીધી છે. હવે 15 મેએ સુનાવણી હાથ ધરાશે. મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્નાએ કહ્યું કે, આ મામલે વિસ્તારથી સુનાવણી કરવાની જરૂર છે. હવે આ મામલો નવા ચીફ જસ્ટિસ ભૂષણ રામાકૃષ્ણ સુનાવણી સમક્ષ જશે. આ દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતાએ સીજેઆઈ સંજીવ ખન્નાની નિવૃત્તિથી ભાવુક થઈ ગયા હતા.
ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ 14 મેએ નવા CJI તરીકે શપથ લેશે
મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના 13 મેએ નિવૃત્ત થઈ રહ્યા છે અને ન્યાયાધીશ ભૂષણ રામકૃષ્ણ ગવઈ 14 મેએ નવા સીજેઆઈ તરીકે શપથ લેશે. કેન્દ્ર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા અને અરજદારો વતી કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી જેવા વરિષ્ઠ વકીલો હાજર રહ્યા હતા. તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે, આગામી સુનાવણી સુધી કેસમાં યથાસ્થિતિ જાળવી રાખવામાં આવશે.
નવા CJI ગવઈ 15 મેએ કેસની સુનાવણી કરશે
17મીએ CJI સંજીવ ખન્નાએ બંને પક્ષોને પૂછ્યું હતું કે, જો તેઓ બધા સંમત થાય, તો કેસને બુધવાર અથવા અન્ય કોઈપણ દિવસે સુનાવણી માટે જસ્ટિસ ગવઈની બેન્ચમાં મોકલવો જોઈએ, પરંતુ આ માટે તેમણે 2-3 દિવસનો સમય આપવો પડશે. આના પર એડવોકેટ અભિષેક મનુ સિંઘવીએ કહ્યું કે, સુનાવણી આવતા અઠવાડિયે થઈ શકે છે અને CJIએ કેસ 15 મે માટે લિસ્ટ કર્યો હતો.
આ પણ વાંચો : રાહુલ ગાંધીની નાગરિકતા મુદ્દે સરકારે કોઈ જ જવાબ ન આપતા હાઈકોર્ટે અરજી ફગાવી, બીજો વિકલ્પ શોધવા સલાહ
અગાઉ 17મીએ સુનાવણી હાથ ધરાઈ હતી
આ પહેલા 17 એપ્રિલના રોજ મુખ્ય ન્યાયાધીશ સંજીવ ખન્ના, ન્યાયાધીશ સંજય કુમાર અને ન્યાયાધીશ કે.વી.વિશ્વનાથનની બેંચ સમક્ષ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટમાં ખાતરી આપી હતી કે, સુપ્રીમના આદેશને ધ્યાનમાં રાખીને આગામી સુનાવણી સુધી વક્ફ કાયદામાં કરાયેલા કેટલાક સુધારાઓનો અમલ નહીં કરવામાં આવે. જે બાદ કેન્દ્ર સરકારે એક સોગંદનામુ રજુ કર્યું હતું જેમાં આ તમામ સુધારાઓનો બચાવ કર્યો હતો. જે સુધારાઓને અટકાવાયા છે તેમાં વક્ફ બાય યૂઝર, અગાઉથી નોંધાયેલ વક્ફ સંપત્તિ કે પછી નોટિફિકેશન દ્વારા વક્ફ જાહેર કરાયેલી સંપત્તિનું ફરી નોટિફિકેશન નહીં થાય કે તેમાં કોઇ હાલ દખલ નહીં અપાય. સુપ્રીમ કોર્ટમાં કેન્દ્ર સરકારે 1332 પેજનું વિસ્તૃત સોગંદનામુ દાખલ કર્યું છે અને કહ્યું છે કે વક્ફ કાયદામાં સુધારા સામેની તમામ અરજીઓ ફગાવવામાં આવે, કેમ કે આ કાયદામાં કોઇ જ વાંધાજનક સુધારો નથી કરાયો, કોઇ પણ ધર્મને ઠેસ પહોંચે તેવી જોગવાઇ નથી. વક્ફ બાય યૂઝર સંપત્તિનું રજિસ્ટ્રેશન કરાવવું હાલ ફરજિયાત નથી કર્યું પરંતુ તે તો વર્ષોથી ફરજિયાત છે. સાથે કેન્દ્રએ કહ્યું હતું કે વક્ફની સંપત્તિ વર્ષ 2013 બાદ બમણી થઇ ગઇ છે. કાયદામાં સુધારો આ સંપત્તિની યોગ્ય રીતે દેખરેખ થાય તેને ધ્યાનમાં રાખી કરાયો છે. હવે સુપ્રીમ કોર્ટ સોમવારે આ મામલે આગળની સુનાવણી હાથ ધરશે.
આ પણ વાંચો : આતંકવાદ વિરુદ્ધ ભારતને રશિયાનું પૂર્ણ સમર્થન, પુતિને PM મોદી સાથે કરી ટેલિફોનિક વાતચીત