અમદાવાદ, મુંબઈ : વિશ્વ બજારના સમાચાર ભાવમાં નવો ઉછાળો બતાવી રહ્યા હતા. ઘર આંગણે તેના પગલે ઇમ્પોર્ટ કોસ્ટ વધી જતાં દેશના ઝવેરી બજારોમાં રેકોર્ડ તેજીનો પવન ફૂંકાતો રહ્યો હતો. જો કે ઉંચા મથાળે નવી માગ ધીમી રહી હતી. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના વધુ રૂા. ૧૮૦૦ ઉછળી ઉંચામાં એક લાખની સપાટીને ફરી આંબી ગયા હતા. વિશ્વ બજારમાં સોમનાના ભાવ ઔંશ દીઠ ૩૩૨૦થી ૩૩૨૧ વાળા વધુ ઉછળી ઉંચામાં ભાવ ૩૩૮૭થી ૩૩૮૮ થઇ ૩૩૮૪થી ૩૩૮૫ ડોલર રહ્યા હતા.
વિશ્વ બજારમાં ડોલર ઇન્ડેક્સ ઘટતાં વૈશ્વિક સોનામાં ફંડોનું બાઇંગ વધ્યાની ચર્ચા બજારમાં સંભળાઇ હતી. વૈશ્વિક ક્રૂડતેલના ભાવ આજે બેથી અઢી ટકા ઉછળતાં તેની અસર પણ વૈશ્વિક સોનાના ભાવ પર પોઝીટીવ જોવા મળી હતી. અમદાવાદ બજારમાં બે દિવસમાં સોનાના ભાવ રૂા. ૩૩૦૦ ઉછળ્યા છે.
અમદાવાદ સોનાના ભાવ વધી આજે ૯૯૫ના રૂા. ૯૯૭૦૦ તથા ૯૯૯ના રૂા. એક લાખ બોલાયા હતા જ્યારે અમદાવાદ ચાંદીના ભાવ કિલોના વધુ રૂા. ૧૫૦૦ વધી રૂા. ૯૭૦૦૦ને આંબી ગયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ બે દિવસમાં રૂા. ૨૫૦૦ ઉંચકાયા હતા.
દરમિયાન, ભારતના ફોરેક્સ રિઝર્વમાં સોનાનો હિસ્સો ચાર વર્ષમાં આશરે બમણો થઇ ગયાનું જાણકારો જણાવી રહ્યા હતાં. મુંબઇ ઝવેરી બજારમાં આજે સોના- ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી.
દરમિયાન વિશ્વ બજારમાં આજે સોના પાછળ ચાંદીના ભાવ પણ ઔંશ દીઠ ૩૨.૫૪થી ૩૨.૫૫ વાળા વધી ૩૩.૧૬ થઇ ૩૩.૧૧થી ૩૩.૧૨ ડોલર રહ્યા હતા. મુંબઇ બુલીયન બજારમાં આજે સોનાના ભાવ જીએસટી વગર ૯૯૫ના રૂા. ૯૪૯૦૦ વાળા વધી રૂા. ૯૬૫૦૦ રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ રૂા. ૯૫૨૮૨ વાળા રૂા. ૯૬૮૮૮ બોલાયા હતા. મુંબઇ ચાંદીના ભાવ જીએસટી વગર રૂા. ૯૪૧૦૦ વાળા રૂા. ૯૫૮૫૪ રહ્યા હતા.
દરમિયાન, વૈશ્વિક કોપરના ભાવ આજે ૦.૭૬ ટકા વધ્યા હતા. વિશ્વ બજારમાં ક્રૂડ તેલના ભાવ પણ ઉછળ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ તેલના ભાવ બેરલના ૯૦.૨૦ વાળા ઉંચામાં ૬૨ ડોલર થઇ ૬૧.૭૯ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ ઉંચામાં ૫૮.૮૫ થઇ ૫૮.૭૧ ડોલર રહ્યા હતા. વૈશ્વિક પ્લેટીનમના ભાવ વધી ૯૮૫ થઇ ૯૮૨થી ૯૮૩ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ નીચામાં ૯૪૨ થઇ ૯૫૬ થી ૯૫૭ ડોલર રહ્યા હતા.